Connect Gujarat
Featured

ભરૂચ : આરોગ્ય અધિકારીને કોંગ્રેસના નગરસેવકોએ ઘેર્યા, ખુરશીને લાત મારી ચેમ્બર છોડી ચાલ્યાં ગયાં

ભરૂચ : આરોગ્ય અધિકારીને કોંગ્રેસના નગરસેવકોએ ઘેર્યા, ખુરશીને લાત મારી ચેમ્બર છોડી ચાલ્યાં ગયાં
X

ભરૂચમાં ચાલી રહેલી કોરોના વેકસીનની કામગીરી વેળા વેકસીનનો જથ્થો અને સેન્ટરો ઓછા હોવાના કારણે લોકોને ધકકો ખાવો પડતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ બાબતે આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયેલા કોંગ્રેસના નગરસેવકોએ સવાલોનો મારો ચલાવતાં અકળાયેલા આરોગ્ય અધિકારી પોતાની ખુરશીને લાત મારી ચેમ્બરની બહાર ચાલ્યા ગયા હોવાની ઘટના સોમવારના રોજ બની હતી.

ભરૂચ શહેર તથા જિલ્લામાં એક તરફ કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે તો બીજી તરફ વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ વેકસીનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. શહેરના અમુક વિસ્તારોમાં વેકસીનેશન સેન્ટર ઓછા હોવાની તથા સેન્ટર પર વેકસીન ઓછા આવતાં હોવાથી લોકોને ધકકા પડી રહયાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

https://youtu.be/gdFyBUMXGVI

ફરિયાદના સંદર્ભમાં સોમવારના રોજ કોંગ્રેસના નગરસેવકો સલીમ અમદાવાદી, ઇબ્રાહીમ કલકલ, હેમેન્દ્ર કોઠીવાલા, શમશાદઅલી સૈયદ તથા અન્ય આગેવાનો નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા જિલ્લા આરોગ્ય અધિકારીને રજુઆત કરવા ગયાં હતાં. જિલ્લાના આરોગ્ય અધિકારીને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે શહેરમાં કેટલા વેકસીનેશન સેન્ટર ચાલી રહયાં છે સહિતના સવાલોનો જવાબ માંગતા અધિકારી ઉશ્કેરાઇ ગયાં હતાં અને પોતાની ખુરશીને ધકકો મારી ચેમ્બરની બહાર ચાલ્યાં ગયા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો છે.

નગરપાલિકામાં વિપક્ષના નેતા રહી ચુકેલા શમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના ફેલાય રહયો છે ત્યારે આરોગ્ય અધિકારી એક જવાબદાર વ્યકતિ હોવા છતાં તેમણે અજવાબદાર વર્તન કર્યું છે. જિલ્લા કલેકટરે આ બાબતની નોંધ લઇ આવા અધિકારીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી પડશે.

Next Story