ભરૂચ : મેઘરાજાની વિદાય ટાણે મેઘો મહેરબાન : કૃત્રિમ કુંડમાં પ્રતિમાનું વિસર્જન

દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું. મેઘરાજાની વિદાય ટાણે વરસાદ વરસતા વાતાવરણ ભકિતસભર બની ગયું હતું.
છડી નોમના દિને ધોળીકૂઈ બજારમાં પરંપરા મુજબ વિરામ કરી છડી પરત ફરતા જ ભોઈવાડ ખાતે છડીદારો દ્વારા છડી ઝુલાવતા અને ભેટાવતા જોવા માનવ મેદની ઉમટી હતી.છડીનું ભોઈવાડ ખાતે આગમન થતા જ મેઘરાજાની ભવ્ય વિસર્જનયાત્રા ભજન મંડળીઓ અને ડીજેની ધૂનો વચ્ચે શાહી ઠાઠમાઠ સાથે નીકળી હતી. મેઘરાજાની વિદાય ટાણે જ વરસાદ વરસવાની શરૂઆત થતાં ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં હજારો લોકોએ હાજર રહી મેઘરાજાને વિદાય આપી હતી. નાના બાળકોને મેઘરાજાની પ્રતિમાને ભેટાડવા માટે ધસારો કર્યો હતો. મેઘરાજાની વિદાયની સાથે મેઘમેળાનું પણ સમાપન થયું હતું. ભોઇવાડથી નીકળેલી મેઘરાજાની વિસર્જન યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી નર્મદા નદીના કિનારે પહોંચી હતી. જયાં કૃત્રિમ કુંડમાં મેઘરાજાની માટીમાંથી બનેલી પ્રતિમાને વિસર્જીત કરાઇ હતી.