Connect Gujarat
ગુજરાત

CRZની પૂર્વ મંજૂરી વિના ભરૂચના ઝાડેશ્વર પાસે બેટના રિસોર્ટ પર જવા માલિકે નદીમાં જ બનાવ્યો રસ્તો

CRZની પૂર્વ મંજૂરી વિના ભરૂચના ઝાડેશ્વર પાસે બેટના રિસોર્ટ પર જવા માલિકે નદીમાં જ બનાવ્યો રસ્તો
X

જી.પી.સી.બી. અધિકારી,કલેકટર અને સ્થાનીક ચૂંટાયેલા આગેવાનોનું ભેદી મૌન

એક તરફ સરદાર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતું નથી.પરિણામે ભરૂચ પાસે નર્મદા નદી રણ જેવી બની છે. જે થોડો ઘણો પાણીનો પ્રવાહ વહે છે તેને પણ ભૂમાફિયા અને રિસોર્ટના માલિકોએ ગેરકાયદેસર રીતે પાળા કરી અને રસ્તો બનાવી અટકાવી દેતા નર્મદાના અસ્તિત્વ સામે જ ખતરો ઉભો થયો છે.છતાં જી.પી.સી.બી અધિકારી,જિલ્લા કલેકટર અને સ્થાનિક ચુંટાયેલા સભ્યો આ બાબતે ભેદી મૌન સેવતા હોવાના લોકોમાં આક્ષેપો થઈ રહ્યા છે.

કોઇ પણ કુદરતી જળ સ્ત્રોત જેવા કે નદી,તળાવ,તલાવડી,ઝરણાં કે ખાડી તેના ઉપર બાંધકામ કે પુરાણ કરી શકાય નહીં. નર્મદા પ્રદુષણ નિવારણ સમિતીના જયેશ પટેલના કહેવા મુજબ જો નદીમાં પાળા કે રસ્તો બનાવવા હોય તો કોસ્ટલ રિઝર્વ ઝોન(CRZ) ની પૂર્વ મંજૂરી લેવાની હોય છે.સી.આર.ઝેડના રાજયના વડા જી.પી.સી.બીના ચેરમેન હોય છે જયારે જિલ્લા કક્ષાએ આ સત્તા જે તે જિલ્લા કલેકટર પાસે હોય છે. જે જોતા ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે બાનાવાયેલ પાળા ને રસ્તાઓ અંગે સીધી જવાબદારી જી.પી.સી.બી. ભરૂચ અને જિલ્લા કલેકટરની ઉભી થાય છે.

ભરૂચમાં નર્મદા નદીમાં નારેશ્વરથી ઝાડેશ્વર સુધી રેતી માફિયાઓએ રેતી ખનન કરી તેનું વહન કરવા માટે પાળા અને રસ્તા બનાવ્યા છે.ઝાડેશ્વર પાસે નર્મદા નદીના બેટમાં પોતાના રિસોર્ટમાં જવા માટે રિસોર્ટના માલિક દ્વારા રેતી ભરેલી ગુણો પાથરી રસ્તો બનાવ્યો છે. આ પાળાઓ અને ઝાડેશ્વર ખાતે બનાવાયેલ રસ્તાના કારણે નદીના પાણી અવરોધાયા છે. પરિણામે નર્મદા નદી રેતીના રણ સમી બની જવા પામી છે. આ તમામ હકિકતો થી જી.પી.સી.બી અને જિલ્લા કલેકટર સહિતનું વહિવટી તંત્ર વાકેફ હોવા છતાં પણ ભેદી મૌન સેવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાંથી ચુંટાયેલા આગેવાનોની પણ જિલ્લાના વિકાસની પ્રમુખ જવાબદારી રહેલી છે અને એટલીજ જવાબદારી ગેરકાયદેસર રીતે થતા જનહિતને અસરકર્તા કૃત્યો સામે પણ અવાજ ઉઠાવવાની પણ છે. નર્મદા નદીમાં બેફામ રીતે થતાં રેતી ખનન અને ગેરકાયદેસર રીતે નદીમાં બનાવેલા પાળા તેમજ રસ્તા સામે તેમને અવાજ ઉઠાવવો જોઇએ. જોકે, તેઓએ પણ આ બાબતે સુચક મૌન રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગોલ્ડન બ્રીજને સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજના કામ માટે કોંન્ટ્રાકટરે કોઇ પણ મંજૂરી વિના નર્મદા નદીમાં પુરાણ કરી રસ્તો બનાવી પાણીના પ્રવાહને અવરોધ્યો હતો. જેની સામે વિવાદ ઉભો થયો હતો. આ અંગે સી.આર.ઝેડ અને જી.પી.સી.બીમાં ફરિયાદ થતાં મામલો ગરમાયો હતો. જી.પી.સી.બી સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ તત્કાલ ધોરણે નદીમાં બનાવેલ રસ્તાને દુર કરવાના હુકમ કર્યા હતા. જે જોતા જો જી.પી.સી.બી અને જિલ્લા કલેકટરે નારેશ્વરથી ઝાડેશ્વર સુધી નર્મદા નદીમાં બનાવાયેલ પાળા અને રસ્તાઓને પણ દુર કરાવવા જોઇએ.

Next Story