Connect Gujarat
Featured

ભરૂચ : દહેજ પંથકમાં મૃતદેહની અંતિમ ક્રિયા માટે પડતી હાલાકીનો અંત, રોટરી ક્લબ-દહેજ દ્વારા “સ્વર્ગ વાહીની બસ”નું લોકાર્પણ કરાયું

ભરૂચ : દહેજ પંથકમાં મૃતદેહની અંતિમ ક્રિયા માટે પડતી હાલાકીનો અંત, રોટરી ક્લબ-દહેજ દ્વારા “સ્વર્ગ વાહીની બસ”નું લોકાર્પણ કરાયું
X

ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે પડતી અગવડનો અંત આવ્યો છે. રોટરી કલબ-દહેજ, ઇન્ડોફીલ કંપની તથા ઇન્ડોબાયજીન કેમિકલ્સ પ્રાઇવેટ લિ. કંપનીના સહયોગથી દહેજ પંથકના સ્થાનિકો માટે સ્વર્ગ વાહીની બસનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

રોટરી કલબ-દહેજ સ્થાપના કાળથી લોકહિતના કાર્યોને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેમાં શિક્ષણ, આરોગ્ય તેમજ અન્ય સમાજ ઉત્થાનના પ્રોજેકટ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દહેજ આસપાસના વિસ્તારમાં મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે લોકોને ભારે આપદાનો સામનો કરવો પડતો હતો. જોકે સુવિધાના અભાવે મૃતદેહને અંતિમ ક્રિયા અર્થે કયારેક પગપાળા પણ લઈ જવો પડતો હતો. પરંતુ રોટરી કલબ-દહેજના પ્રયાસોથી સમગ્ર દહેજ પંથક વિસ્તારમાં સ્વર્ગ વાહીની બસનું લોકાર્પણ કરવામાં આવતા લોકોની સમસ્યાનો અંત આવ્યો છે.

રોટરી કલબ-દહેજના પ્રમુખ આશિષ દેસાઈએ જણાવ્યુ હતું કે, દહેજની આસપાસના ગામડાંનો વિકાસ કરવો છે. અંદાજીત 18 લાખના ખર્ચે તૈયાર થયેલ સ્વર્ગ વાહીનીના લોકાર્પણમાં ઇન્ડોફીલ કંપની અને ઇન્ડોબાયજીન કંપનીના સહયોગનો આભાર વ્યક્ત કર્યો હતો. રોટરી કલબ-દહેજના સેક્રેટરી ભાવેશ રામીએ સંસ્થાના સેવાકીય કાર્યોની ઝાંખી કરાવવા સાથે 2020-21ના વર્ષમાં વિવિધ પ્રોજેકટ ઉપર રોટરી કલબ કામ કરશે તેની માહિતી આપી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ભરૂચના પરાગ શેઠ દ્વારા ઉપસ્થિત લોકોને જણાવાયું હતુ કે, 5 કરોડના ખર્ચે બનનારી શાળાને મીઠા ઉદ્યોગમાંથી 50% રકમ જોગવાઈ કરાવી સહયોગ આપીશું, ત્યારે તેમની વાતને ગ્રામજનોએ અને સરપંચે વધાવી લીધી હતી. લાખો રૂપિયાના ખર્ચે બનેલ સ્વર્ગ વાહીનીની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સરપંચ જયદીપસિંહ રણાએ દાતા અને મેનેજમેન્ટ કરનારી સંસ્થાનો ખાસ આભાર માન્યો હતો. સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સ્વર્ગ વાહીનીના લોકાર્પણ પ્રસંગે રોટરી કલબ-દહેજના પ્રમુખ આશિષ દેસાઈ, ઇન્ડોફીલના સિનિયર મેનેજર એસ.એન.પાંડે, ડી.આઈ.એના જનરલ સેક્રેટરી ડૉ. સુનિલ ભટ્ટ, દહેજ અગ્રણી નરેન્દ્રસિંહ રણા, પૂનમ શેઠ, અશોકસિંહ પરમાર તેમજ ફાઉન્ડર પ્રમુખ મહેન્દ્રસિંહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story