Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

એક મહત્વના પ્રશ્ન તરીકે ખેડૂતોએ સીમમાં થતી કેબલ તેમજ સિંચાઇના સાધનોની ચોરીનો પ્રશ્ન રજુ કર્યો હતો

ભરૂચ: ઝઘડિયાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
X

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સપેક્શન અને લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નાયબ પોલીસ વડા ચિરાગ દેસાઇ, પીએસઆઇ ટાપરીયા, પીએસઆઇ વલ્વી, ભાજપા અગ્રણી રશ્મિકાન્ત પંડ્યા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, કારોબારી અધ્યક્ષ રિતેશ વસાવા ઉપરાંત આજુબાજુના ગામોના સરપંચો, વેપારીઓ, ગ્રામજનો તેમજ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે જીલ્લા પોલીસ વડાએ આ વિસ્તારના જે કોઇ જરુરી પ્રશ્નો હોય તેની રજુઆત કરવા ગ્રામજનોને જણાવ્યું હતુ. જેમાં ગ્રામજનો દ્વારા વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. રશ્મિકાન્ત પંડ્યાએ દુ.વાઘપુરા ઉમલ્લા ખાતે આવેલ નહેર વિભાગની જગ્યા જે હાલ ધુળ ખાતી પડી રહી છે ત્યાં પોલીસ ચોકી બનાવાય તો નગરજનો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની શકે એમ જણાવ્યું હતું.

ઉપરાંત એક મહત્વના પ્રશ્ન તરીકે ખેડૂતોએ સીમમાં થતી કેબલ તેમજ સિંચાઇના સાધનોની ચોરીનો પ્રશ્ન રજુ કર્યો હતો. ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક સ્થળોએ નાની ચેક પોસ્ટ બનાવવાની તેમજ ઉમલ્લા ચાર રસ્તા પર સીસી ટીવી કેમેરાની સુવિધા સઘન બનાવવાની વાતો પણ ચર્ચાઇ હતી. જીલ્લા પોલીસ વડાએ આ પ્રશ્નોના નિવારણ માટે ઘટતી કામગીરી કરી સમસ્યા હલ કરવા સ્થાનિક પોલીસને જણાવ્યુ હતું.

Next Story