Connect Gujarat
ભરૂચ

હાંસોટ તાલુકાનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 ના મોત

અકસ્માતમાં 4 મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજયું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

X

- અકસ્માતમાં ભરૂચના વેપારીના પત્ની, મોટા ભાઈ-ભાભી અને બે ભત્રીજીના મૃત્યુ

- એક બાળક સહિત 3 લોકોનો આબાદ બચાવ થયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અલવા ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર મહિલા સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યા હતા. હાંસોટના અલવા ગામ નજીક આજરોજ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં ફસાયેલ એક બાળકને હેમખેમ બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતમાં ચાર મહિલા તેમજ એક પુરુષનું મોત નીપજયું છે. બનાવ અંગે હાંસોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કારમાં એક કાર GJ 16 DG 8381 હિરેન્દ્રસિંહની હ્યુન્ડાઇ વેન્યુ હતી. જ્યારે બીજી કાર GJ 6 FQ 7311 ભરૂચના રેડીમેઈડ ગારમેન્ટના વેપારી ઇક્રામ ભાઈની માલિકીની વરના હતી.

મૃતકોમાં ઈમ્તિયાઝ ભાઈ પટેલ ઉ. વ. 62, તેમના પત્ની સલમા બેન પટેલ ઉ .વ. 55, ઈમ્તિયાઝ ભાઈ ની દીકરી મારિયા દિલાવર પટેલ ઉ. વ. 25, તેઓની બીજી દિકરી અફિફા સફવાન ઈલ્યાસ અફીણી ઉ.વ. 25 અને કાર માલિક ભરૂચના વેપારી ઇકરામભાઈની પત્ની જમિલા પટેલ ઉ .વ. 48 નો સમાવેશ થાય છે જ્યારે એક નાના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.તો વેન્યુ કારમાં સવાર લોકોનો પણ આબાદ બચાવ થયોની માહિતી હાલ સુધી સાપડી રહી છે.

બન્ને કાર વળાંક પર સામ સામે ધડાકાભેર અથડાતા 2022 ની નવી વેન્યુ કારમાં એરબેગ ખુલી જતા અંદર સવાર લોકોના જીવ બચી ગયા હતા. જ્યારે વરના 2013 નું મોડલ હોય તેનો આગળનો અડધો ભાગ કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકો અને માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ ભેગા થઈ રાહત બચાવ સાથે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પોહચાડવા સહિત ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અલવા ગામ પાસે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવાથી તંત્ર દ્વારા પણ યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાઇ છે.

Next Story