Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ…

ભરૂચ : વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ…
X

ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે. ભૃગુઋુષિએ માઘ સુદ પાંચમના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી હતી, ત્યારે આજે ભરૂચના સ્થાપના દિવસ નિમિત્તે કનેક્ટ ગુજરાત પરિવાર તરફથી ભરૂચવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે.

નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર, નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સુર્ય હતો. તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કૂર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભુગૃઋુષિએ મોટું નગર વસાવ્યું હતું. કૂર્મ (કાચબા)ની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાથી આ નગર ભૃગૃકચ્છના નામથી ઓળખાવા લાગ્યું હતું. જોકે, પૂર્વ અને પશ્ચિમનાં દેશો વચ્ચે તેજાના અને રેશમનાં વહાણમાર્ગમાં અગત્યનાં વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાથી ઇતિહાસમાં તે અનેકવિધ નામોથી જાણીતું છે, જેમકે ભરાકચ્છ, ભૃગુકચ્છ, બ્રૉચ અને ભરૂચ. બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્તાં અને માટે તેમણે મૂળ નામોને પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું.

મહર્ષિ ભૃગુ કે, જેમના નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડયું છે. ભૃગુઋુષિ ત્રિકાળ જ્ઞાની અને વેદના જાણકાર હતા. તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે. યુગો પહેલાં શહેરની ટેકરી કે, જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે, તે ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી. જે જગ્યા પર લક્ષ્મીજી નવ નાથ તપ કરતાં હતાં, તે સ્થળે નર્મદા નદી વહેતી હતી. લક્ષ્મીજી વૈકુંઠવાસ સિધાવ્યા પછીની દંતકથા પ્રમાણે આ વિસ્તાર હેડંબાવન બની ગયો હતો. હેડંબાને 2 દીકરીઓ નાડીકા અને હાટિકા હતી. હાટિકાએ આ ભૂમિ ભૃગુઋુષિને અર્પણ કરી હતી. ભૃગુઋુષિના મંદિરનો જીણોધ્ધાર 12મા સૈકામાં રાજા વીરધવલના મંત્રીઓ તેજપાલ અને વાસ્તુપાલે કર્યો હતો. 18મી સદીમાં ભરૂચમાં સિંધિંયા સરકારનું રાજય હતું. તે વખતે પણ મંદિરનો જીણોધ્ધાર થયો હતો. મહાપ્રભુજી વલ્લભાચાર્ય 18મી સદીમાં ભરૂચ પધાર્યા હતાં અને ભુગૃઋુષિના આશ્રમમાં રહ્યા હતા. ભરૂચમાં ભુગૃઋુષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે. ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં વેપાર થતો હતો. આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભુતકાળની ગવાહી આપી રહયું છે. દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેરે વિકાસની કેડી કંડારી છે. સ્થાપનાના વર્ષો બાદ આજે ભરૂચની કાયાપલટ થઇ ચુકી છે.

Next Story