ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકામાં વૉટર વર્કસ વિભાગનું રૂ. 2 કરોડથી વધુનું બિલ બાકી પડતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ આમોદ નગરના સ્ટ્રીટ લાઈટના 23 જોડાણો કાપી નાખતા આમોદ નગરમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેથી આમોદ નગરજનોમાં શાસકો સામે રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદના નગરજનો દ્વારા નિયમિત રીતે વીજળી વેરો, પાણી વેરો ભરવામાં આવતો હોવા છતાં સ્ટ્રીટ લાઈટના જોડાણ કપાતા પાલિકા શાસકો સામે તેઓ રોષે ભરાયા છે. આમોદ પાલિકા પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, આમોદ પાલિકાએ સ્ટ્રીટ લાઈટનું 67 હજાર બિલ પૂરેપૂરું ભરપાઈ કરી દીધું છે. પરંતુ વૉટર વર્કસનું બિલ બાકી હોય, ત્યાં સ્ટ્રીટ લાઈટનું જોડાણ કાપવામાં આવ્યું છે. જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.