ભરૂચ જિલ્લામાં બે બેઠકોની પેટાચુંટણીના પરિણામોએ કોંગ્રેસને વિચારતી કરી મુકી છે. લઘુમતી સમાજની બહુલ વસતી ધરાવતાં વોર્ડમાં પણ કોંગ્રેસને ભાજપ કરતાં ઓછા મત મળ્યાં છે.
ભરૂચ જિલ્લામાં શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસના પંજાની પકડ ઢીલી પડી રહી છે. થોડા મહિનાઓ પહેલાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસ અને બીટીપીનું ધોવાણ થયું હતું. ભાજપે મોટાભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપનો વિજય પરચમ લહેરાયો હતો. ભાજપના આ વિજયનો સીલસીલો પેટાચુંટણીઓમાં પણ યથાવત રહયો છે. ભરૂચ તાલુકા પંચાયતની નિકોરા બેઠક ભાજપે જાળવી રાખી છે. આ બેઠક ભાજપ પાસેથી આંચકી લેવામાં કોંગ્રેસ નિષ્ફળ રહયું છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ નિકોરા બેઠકના પરિણામ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
ભરૂચ નગરપાલિકાની પેટાચુંટણીમાં પણ કોંગ્રેસને ફટકો પડયો છે. વોર્ડ નંબર -10ની એક બેઠકની પેટાચુંટણીમાં એઆઇએમઆઇએમએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. વોર્ડ નંબર 10ને કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. થોડા મહિના પહેલાં યોજાયેલી ચુંટણીમાં વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ તુટી હતી અને એક બેઠક એઆઇએમઆઇએમના ફાળે ગઇ હતી. હવે પેટાચુંટણીમાં પણ એઆઇએમઆઇએમએ કોંગ્રેસને ઝટકો આપ્યો છે અને આ બેઠક આંચકી લીધી છે. કોંગ્રેસના શહેર પ્રમુખ વિકકી શોખીએ જણાવ્યું હતું કે, આ પરિણામ અમારા માટે ચિંતાજનક છે અને ફરીથી લોકોની વચ્ચે જઇ તેમના પ્રશ્નોને વાચા આપીશું..
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે હવે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસે હારના કારણોનું મનોમંથન કરી સંગઠનને મજબુત બનાવવું પડશે નહિ તો દરેક ચુંટણીઓમાં કોંગ્રેસનો રકાસ નકકી છે.ભરૂચ : શહેરી બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોંગ્રેસ ગુમાવી રહયું છે પકડ, જુઓ પરિણામોનું વિશ્લેષણ