ભરૂચ : સૂર્યગ્રહણના કારણે તમામ મંદિરોના દ્વાર ભક્તો માટે રહ્યા બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે..!
આજે તા. 25મી ઓક્ટોબર એટલે કે, દેશ અને દુનિયામાં બપોરે 2.28 કલાકથી 6.39 કલાક સુધી આંશિક સૂર્યગ્રહણ છે.

આજે તા. 25મી ઓક્ટોબર એટલે કે, દેશ અને દુનિયામાં બપોરે 2.28 કલાકથી 6.39 કલાક સુધી આંશિક સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ ભારતના કેટલાક શહેરોમાંથી જોઈ શકાશે. ભારતમાં સૂર્ય ગ્રહણને કારણે સૂતક લાગતુ હોવાની માન્યતા છે, ત્યારે ભારતમાં આજે વર્ષનું છેલ્લું આંશિક સૂર્યગ્રહણ હોવાથી ગુજરાતના મોટાભાગના મંદિરો બંધ રહેશે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં સૂર્યગ્રહણના કારણે ભક્તો માટે મંદિરો બંધ રાખવામાં આવ્યા હતા. ભરૂચ શહેરના નીલકંઠ મહાદેવ મંદિર, શક્તિનાથ મહાદેવ મંદિર, અંબાજી મંદિર, ભૃગુરૂષિ મંદીર સહિતના વિવિધ દેવાલયો દ્વાર ભક્તો માટે બંધ રહ્યા હતા.
ક્યારે લાગશે સૂતક ?
સૂર્યગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલાં શરૂ થઈ જાય છે, એટલે ભારતમાં 25 ઓક્ટોબરે સવારે 4 વાગ્યે સૂતક લાગશે, જ્યારે ગ્રહણ પૂર્ણ થશે, ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જશે. સૂતક દરમિયાન તમામ ધાર્મિક માન્યતાઓનું પાલન કરવામાં આવશે. જેથી મંદિરો બંધ રહેશે અને ગ્રહણ પૂર્ણ થયા પછી મંદિરોનું શુદ્ધિકરણ કર્યા બાદ મંદિરોમાં દર્શન કરી શકાશે.
સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ...
ઉલ્લેખનીય છે કે, આ સૂર્યગ્રહણ દરમિયાન દુર્લભ યોગ રચાયો છે, ત્યારે તા. 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી અને 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે. આમ દિવાળી અને ગોવર્ધન પૂજા વચ્ચે સૂર્યગ્રહણનો યોગ છે. આ દરમિયાન 1300 વર્ષ બાદ 4 ગ્રહોનો દુર્લભ યોગ રચાયો છે. જેમાં બુધ, ગુરુ, શુક્ર, શનિ પોત-પોતાની રાશિમાં હશે. આ દુર્લભ યોગને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અતિ મહત્વનો માનવામાં આવે છે.