Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ

લુવારા નજીક રૂપિયા ૧૨.૫૦ કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ કર્યું હતું.

ભરૂચ : નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો અંત, લુવારા નજીક જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ
X

ભરૂચ જીલ્લામાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે હાંસોટ તાલુકાના વમલેશ્વરથી વાગરાના મીઠી તલાઈ સુધી આવતા નર્મદા અને દરિયાના સંગમસ્થાનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઇ સરકારે લુવારા નજીક રૂપિયા ૧૨.૫૦ કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ કર્યું હતું.

મૂળ જબલપુરના અને નર્મદા પરિક્રમા સંત સમિતિના સ્વામી ગિરિશાનંદ સરસ્વતી વર્ષ ૨૦૧૧માં નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. નર્મદા અને દરિયાના સંગમસ્થાન એવા હાંસોટના વમલેશ્વરથી નાવડીઓમાં બેસી નર્મદાને પસાર કરી મીઠી તલાઈ આવી રહ્યા હતા. આ દરમ્યાન મીઠી તલાઈ નજીક દરિયામાં ભરતીના પાણી ઓસરી જતા નાવડીઓ ફસાઈ જવાના ભયથી નાવિકોએ તમામ પરિક્રમાવાસીઓને અધવચ્ચે ઉતારી દીધા હતા. પરિક્રમવાસીઓ કાદવ કીચડમાં ચાલતા કીચડમાં પડ્યા હતા. જેનો 6 મિનિટનો વિડીયો બનાવાયો હતો.

સ્વામી ગિરિશાનંદ સરસ્વતી આ ઘટનાથી નારાજ થયા હતા. તેમણે 6 મિનિટનો વિડીયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી પોતાની વ્યથા અને નારાજગી વ્યક્ત કરી પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરવા અપીલ કરી હતી. જેની નોંધ નરેન્દ્ર મોદીએ લઈ સરકારમાં જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલે લુવારા નજીક નર્મદા પરિક્રમાવાસીઓની સુગમતા માટે જેટી બનાવવા રૂપિયા ૮.૫૦ કરોડ ફાળવ્યા હતા.

જેના પગલે જેટી બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. દરમ્યાન નર્મદા પરિક્રમા સંત સમિતિએ પરિક્રમવાસીઓને આરામ કરવા વિશ્રામગૃહ બનાવવા અપીલ કરતા રૂપાણી સરકારે વધુ ચાર કરોડ રૂપિયા ફાળવ્યા હતા. લુવારા પાસે ગુજરાત મેરિટાઇમ બોર્ડ ઘ્વારા જેટી અને વિશ્રામ ગૃહનું નિર્માણ કરાતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ વિધિવત તક્તિ અનાવરણ કરી જેટી અને વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું. જેથી હવે આવનારા સમયમાં ભરૂચ જીલ્લામાં આવતા નર્મદા પરિક્રમાવાસીઓની સમસ્યાનો અંત લાવવામાં આવશે.

Next Story