Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ભુતમામાની ડેરી પાસે લાગ્યું સાઇન બોર્ડ

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના નિર્માણ બાદ ભુતમામાની ડેરી પાસે લાગ્યું સાઇન બોર્ડ
X

ભરૂચની નર્મદા નદી પર બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના દિવસથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. ભરૂચ- અંકલેશ્વર વચ્ચેના આ રસ્તાને સ્ટેટ હાઇવે 64ની ઓળખ આપી ભુતમામાની ડેરી પાસે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઇને જોડવા માટે નેશનલ હાઇવે બનાવાયો હતો. આ હાઇવે નેશનલ હાઇવે નંબર 8 તરીકે ઓળખાતો હતો. આ હાઇવે ભરૂચ અને અંકલેશ્વર શહેરની અંદરથી પસાર થતો હતો. નર્મદા નદી પર સરદારબ્રિજના નિર્માણ બાદ નેશનલ હાઇવે નંબર 8 ભરૂચ શહેરની બહાર સ્થળાંતરિત થઇ ગયો હતો. અગાઉ બનેલો નેશનલ હાઇવે ઓલ્ડ નેશનલ 8 તરીકે ઓળખાવા લાગ્યો હતો.

ઓલ્ડ નેશનલ હાઇવે પર ગોલ્ડનબ્રિજ આવેલો છે. ગોલ્ડનબ્રિજ પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાનું નિવારણ લાવવા માટે 431 કરોડ રૂપિયાના ખર્ચથી નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરાયું છે. અષાઢી બીજના દિવસથી નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયો છે. આ બ્રિજ પરથી એસટી બસોને પણ પસાર થવા દેવાની સરકારે મંજુરી આપી દીધી છે. નર્મદા મૈયા બ્રિજ વાહનોથી ધમધમતો થઇ ગયાં બાદ હવે ભરૂચ- અંકલેશ્વર રોડ પર આવેલી ભુતમામાની ડેરી પાસે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું છે. આ રોડ હવે સ્ટેટ હાઇવે 64 તરીકે ઓળખાશે. નવા બનેલા સાઇન બોર્ડ પર ભરૂચ, વડોદરા અને દહેજના અંતર દર્શાવવામાં આવ્યાં છે. આજે મંગળવારના રોજ આ સાઇનબોર્ડ લગાવવામાં આવ્યું છે.

Next Story