Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આવતી કાલે શહેરની જનતાને નહીં મળે "પાણી" પુરવઠો, પાલિકા કર્મચારી મંડળની હડતાળ યથાવત...

પાલિકાના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત હડતાળના ત્રીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ

X

ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 3 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે કર્મીઓની હડતાળના પગલે આવતી કાલે પાલિકા વિસ્તારની જનતાને પાણી પુરવઠો નહીં આપી વિરોધ પ્રદર્શન કરવા કર્મચારી મહામંડળ દ્વારા જણાવાયું છે.

ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓ પોતાના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળની આગેવાનીમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. સરકારને વર્ષો જૂના પડતર પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પાલિકા કર્મીઓને પંચાયતના કર્મચારીની જેમ તમામ લાભ આપવા, રોજમદાર કર્મચારીઓ માટે અલગ નીતિ બનાવવી, ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી વિવિધ માંગણી અને પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી, ત્યારે ભરૂચ નગરપાલિકાના તમામ કર્મચારીઓ તા. 15 ઓક્ટોમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતાર્યા છે, જ્યારે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી કર્મીઓની હડતાળના પગલે આવતી કાલે પાલિકા વિસ્તારની જનતાને પાણી પુરવઠો નહીં આપી વિરોધ પ્રદર્શન કરવા કર્મચારી મહામંડળ દ્વારા જણાવાયું છે.

આજે હડતાળના ત્રીજા દિવસે કર્મચારી મહામંડળના નેજા હેઠળ પાલિકા કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર ટાણે ભરૂચ નગરપાલિકાના કર્મચારી હડતાળ ઉપર ઉતરી જતાં શહેરભરમાં ગંદકી, સફાઈ, લાઈટો તેમજ રીપેરીંગ સહિતના કામો અટકી પડતાં શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવી શકે છે.

Next Story