ભાવનગર : પારિવારીક ઝગડામાં પોલીસ કોન્સટેબલે 3 પુત્રોની કરી કરપીણ હત્યા

ગૃહ કલેશના કયારેક લોહીયાળ પરિણામ આવતાં હોય છે. પતિ અને પત્ની વચ્ચેના કે અન્ય પારિવારીક ઝગડાઓનું પરિણામ માસુમ બાળકોને ભોગવવું પડતું હોય છે. ભાવનગર શહેરમાં પોલીસ કોન્સટેબલ પિતાએ ગૃહકલેશથી કંટાળી પોતાના હદયના કાળજા સમાન ત્રણ ત્રણ સંતાનોના ગળા તીક્ષ્ણ હથિયારથી કાપી નાંખી મોતને ઘાટ ઉતારી હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી.
સાંપ્રત સમયમાં ઝગડાઓમાં સામુહિક આપઘાત અને સામુહિક હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયાં છે. પોતાના સંતાનોની હત્યા કર્યા બાદ માતા અથવા પિતા જાતે આપઘાત કરી લેતા હોવાના બનાવો સામે આવી ચુકયાં છે. ઘણી વખત માતા અને પિતા તેમના સંતાનોની હત્યા કરી નાખતા પણ ખચકાતા નથી. આવો જ હદયદ્રાવક બનાવ ભાવનગર ખાતે બન્યો છે. ભાવનગર પોલીસ હેડકવાટર્સમાં આશાન વિભાગમાં ફરજ બજાવતાં સુખદેવ નાઝાભાઇ શિયાળ નવી પોલીસ લાઇન્સ ખાતે રહે છે. રવિવારના રોજ ઘરમાં થયેલા ઝગડામાં તેઓ આવેશમાં આવી ગયાં હતાં. પિતાએ હેવાનિયતની તમામ હદો પાર કરી પોતાના જ ત્રણ સંતાનો ખુશાલ, ઉધ્ધવ અને મનોનીતના ગળા તીક્ષણ હથિયારથી રહેંસી નાંખ્યા હતાં. એક પિતાનો આવેશ એટલો બધો હતો કે સંતાનોના ગળા કાપતી વેળા પણ તેના હાથ ધ્રુુજયા ન હતાં. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો નવી પોલીસ લાઇન્સ ખાતે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના સામે આવ્યાં બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.