Connect Gujarat
ધર્મ દર્શન 

ભરૂચ : ઝઘડીયાની બાવાગોર દરગાહમાં "કલમા" લખેલા ગલેફ નહીં ચઢાવવા શ્રદ્ધાળુઓને અનુરોધ...

દરગાહ સંકુલના ક્ષેત્રમાં આવતી તમામ દરગાહો પર આગામી તા. 5 મેથી આ નિયમનો અમલ કરવામાં આવશે.

ભરૂચ : ઝઘડીયાની બાવાગોર દરગાહમાં કલમા લખેલા ગલેફ નહીં ચઢાવવા શ્રદ્ધાળુઓને અનુરોધ...
X

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીક આવેલ બાવાગોર દરગાહ ખાતે હવે કલમા લખેલા ગલેફ નહીં ચઢાવવા બાવાગોર દરગાહ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ દરગાહ સંકુલના ક્ષેત્રમાં આવતી તમામ દરગાહો પર આગામી તા. 5 મેથી આ નિયમનો અમલ કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડો પર 800 વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ આવેલ છે.

હઝરત બાવાગોર ગોરીશાબાવાના નામે પણ ઓળખાય છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દરગાહના દર્શને આવે છે. સુફી સંતોની દરગાહો પર ગલેફ (ચાદર) ચઢાવવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવી છે. આવા ગલેફ 2 પ્રકારના હોય છે. એક સાદા અને બીજા ઉપર કલમા લખેલા હોય છે. બાવાગોર દરગાહ ટ્રસ્ટ અને વહિવટકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી તા. 5મી મેથી હઝરત બાવાગોરની દરગાહ સહિત દરગાહ સંકુલના ક્ષેત્રમાં આવતી તમામ દરગાહો પર કલમા લખેલ ગલેફ ચઢાવી શકાશે નહી. હવેથી દરગાહ પર ફક્ત સાદા ગલેફ ચઢાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે, દરગાહ સંકુલમાં ઘણી દરગાહો બહાર ખુલ્લામાં આવેલી છે. ખુલ્લી દરગાહો પર ચઢાવેલ કલમા લખેલ ગલેફો ઘણીવાર પવનના કારણે દરગાહ પરથી ઉડીને બહાર જતા રહેતા હોય છે. જેને લઇને આ ગલેફ જ્તાં ત્યાં પડી રહેતા હોવાના કારણે ઉપર લખેલ કલમાની બેઅદબી થાય છે, તેમજ ધાર્મિક આયતોનું મહાત્મ્ય જળવાતું નથી. તેથી આગામી તા. 5મી મેથી બાવાગોર દરગાહ સહિત દરગાહ સંકુલમાં આવતી તમામ દરગાહો ખાતે કલમા લખેલા ગલેફ ચઢાવી શકાશે નહીં. દરગાહના દર્શનાર્થે આવતા તમામ શ્રધ્ધાળુઓને આ નિયમનું પાલન કરવા દરગાહ વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story