Connect Gujarat
શિક્ષણ

ડાંગ જિલ્લાની સાંદિપની વિદ્યા સંકુલ સાપુતારા ખાતે મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીનુ ઉદઘાટન કર્યુ હતુ.

ડાંગ જિલ્લાની સાંદિપની વિદ્યા સંકુલ સાપુતારા ખાતે મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં છાત્રાપર્ણ સમારોહ કાર્યક્રમ યોજાયો
X

ગિરિમથક સાપુતારા ખાતે આવેલા સાંદિપની વિદ્યા સંકુલ ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીનુ ઉદઘાટન કર્યુ હતુ. શ્રી ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ - પોરબંદર સંચાલિત, સાંદિપની વિદ્યા સંકુલ-સાપુતારા ખાતે આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અદ્યતન ટેકનોલોજી ધરાવનાર સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાયબ્રેરીના ઉદઘાટન વેળા મંત્રી સાથે પૂજ્ય રમેશ ઓઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સાંદિપની વિદ્યા સંકુલ સાપુતારા છાત્રાપર્ણ પ્રસંગે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિની જાગૃતિ લાવવાનું કામ, વિદ્યા સંકુલ દ્વારા કરવામા આવી રહ્યું છે. આ સંસ્થાઓ સરકારનુ કામ હળવુ કરી રહ્યા છે. આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનુ જીવન ધોરણ આર્થિક અને શૈક્ષણિક રીતે ઊંચું આવે તે માટે આ સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે. મંત્રીએ ડાંગ જિલ્લાના પ્રખ્યાત ડાંગી નૃત્યને હિન્દુ સંસ્કૃતિ નું પ્રતીક ગણાવ્યુ હતુ.

મંત્રીએ સાંદિપની વિદ્યા સંકુલ સાપુતારાના ટ્રસ્ટીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. અહીં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ અને તમામ પ્રયાસની સુવિધાઓ આપવાનો પ્રયાસ કરવામા આવે છે. ગુજરાત સરકારની વિજ્ઞાન અને ઔધોગિક ક્ષેત્રની સિદ્ધિઓને વર્ણવતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, દુબઈ કરતા પણ સારી સુવિધા ધરાવનાર સાયન્સ સીટી અમદાવાદ ખાતે તૈયાર કરવામા આવેલ છે. આ સાયન્સ સીટી એશિયાની હબ બની છે જ્યાં વિદ્યાર્થીઓએ અચૂક મુલાકાત કરવી જોઈએ.

સાંદિપની વિદ્યા સંકુલ ખાતે સાયન્સ સેન્ટર અને સેન્ટ્રલ લાઈબ્રેરીના છાત્રાપર્ણ કાર્યક્રમ પ્રસંગે, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિતે અભ્યર્થના વ્યક્ત કરી હતી કે, સાપુતારા સાંદિપની વિદ્યા સંકુલ જેવી અદ્યતન ટેકનોલોજી ધરાવનાર શાળા ડાંગના દરેક વિસ્તારમાં બને. ધારાસભ્ય વિજય પટેલે આ પ્રસંગે અદ્યતન ટેકનોલોજી થી તૈયાર થયેલ સાયન્સ સેન્ટર માટે સંસ્થા, અને ટ્રસ્ટીઓને અભિનંદનની સાથે આભાર વ્યક્ત કર્યો હતો. સાંદિપની વિદ્યા સંકુલ સાપુતારા છાત્રાપર્ણ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ દશરથ પવાર, સાપુતારા હોટલ એસોસિએશન સેક્રેટરી તુકારામ કરડીલે, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story