એક ડગલું નેક વિચારનું : જાણો ગુજરાતનું આ ગામ બની શકે છે સૌપ્રથમ ‘ઔષધ ગામ’

New Update
એક ડગલું નેક વિચારનું : જાણો ગુજરાતનું આ ગામ બની શકે છે સૌપ્રથમ ‘ઔષધ ગામ’

પર્યાવરણ દિવસે સમગ્ર દેશમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનું એક એવું ગામ છે કે, આવનારા દિવસોમાં ‘ઔષધ ગામ’ તરીકે ઓળખાશે. માલપુર તાલુકાની ઇનોવેટિવ પંચાયત ડોડીયા દ્વારા સમયાંતરે વિવિધ ઇનોવેટિવ પ્રવૃત્તિ કરવામાં આવે છે અને આ સમગ્ર ઇનોવેટિવ પ્રવૃત્તિ પાછળ ડોડીયા પંચાયતના સરપંચ નાનાભાઈ વાળંદનો સિંહ ફાળો છે.

publive-image

5મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિન’ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે ત્યારે માલપુર તાલુકાના ડોડીયા ગ્રામ પંચાયત દ્વારા ઇનોવેટિવ આઈડિયા થકી ગુજરાતને એક રાહ ચિંધ્યો છે. વિશ્વ પર્યાવરણના ખાસ દિવસે ‘ઔષધ ગામ’ નો વિચાર આવવોએ મોટી વાત છે. ડોડીયા પંચાયત સમગ્ર ગામને ઔષધ ગામ માટે પ્રતિબદ્ધ બની છે અને એની શરૂઆત પર્યાવરણ દિનના દિવસથી પ્રાંત કલેકટર નવનાથ ચૌહાણના વરદ હસ્તે થઈ છે.

publive-image

કેવો છે ‘ઔષધ ગામ’નો પ્રોજેક્ટ ?

‘ઔષધ ગામ’ નો મૂળ વિચારમાં એવું છે કે, સમગ્ર ડોડીયા ગામમાં કુલ 300 ઘર આવેલ છે. આ તમામ ઘરને સરખા ભાગે વહેંચી ને સોસાયટીમાં વિભાજીત કરવામાં આવેલ છે. આ તમામ સોસાયટીને વિવિધ ઔષધીઓના ના આપવામાં આવ્યા છે. જેમ કે, તુલસી વન સોસાયટી, અરડૂસી સોસાયટી. આ સોસાયટીઓના જે-તે નામ પ્રમાણે વિવિધ ઔષધીઓ પંચાયત દ્વારા દરેક ઘરને આપવામાં આવશે. જેથી ગામમાં વિવિધ ઔષધીઓનો ઉછેર થશે અને ગામને ‘ઔષધ ગામ’ ની દિશા તરફ આગળ વધારાશે. આ પ્રકારે ગામમાં કુલ 20 જેટલી સોસાયટીઓ બનાવાઈ છે, અને એક વર્ષના અંતે એટલે કે, આવતી 5 જૂનના દિવસે આ ઔષધ ગામની સમીક્ષા કરવામાં આવશે.

કેવી રીતે આ શક્ય બન્યું ?

ડોડિયા ગામને ‘ઔષધ ગામ’ બનાવવાનો વિચાર સૌપ્રથમવાર પંચાયતના સરપંચ સહિતના સભ્યોએ કર્યો ત્યારબાદ કલેકટર નવનાથ ગ્વાહાણે, માલપુર ટીડીઓ રાકેશભાઈ પટેલ સહિતના અધિકારીઓએ ગ્રામજનોના વિચારને સાકાર કરવા એક ડગલું પર્યાવરણને બચાવવા માટે આગળ ધપાવ્યું. અને 5 જૂન વિશ્વ પર્યાવરણના દિવસે ડોડિયા ગામને ‘ઔષધ ગામ’ બનાવવાની દિશામાં આજે નવી પહેલને ખુલ્લી મુકવામાં આવી છે.

ક્યાંથી લાગવશે ગ્રામજનો ઔષધી છોડ ?

ડોડિયા ગામને ‘ઔષધ ગામ’ બનાવવા માટે વિવિધ ઔષધીના છોડ રીલાયન્સ ફાઉન્ડેશન તેમજ વન વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું છે. વન વિભાગ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગામમાં ઔષધીના છોડ આપવામાં આવશે, અને તેના જતન માટે માર્ગદર્શન પણ પુરૂ પડાશે.

સમગ્ર વિશ્વમાં પર્યાવરણને બચાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા પણ વિસરાઇ જતી અને લોકો ઓળખતા ભૂલી ગયા તેવી ઔષધીઓને ફરીથી જીવંત બનાવવા ગુજરાતમાં એક અનોખી પહેલ કરાઈ છે. જો આ પહેલા સાકાર થશે તો આગામી સમયમાં ગુજરાતનું સૌપ્રથમ ઔષધ ગામ અરવલ્લી જિલ્લાનું ડોડિયા ગામ બની શકશે.