કચ્છ જિલ્લામાં હાલ રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે અત્યારસુધી અહી 7 લાખથી વધુ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલ કારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીથી બચવા એકમાત્ર રસીકરણ જ યોગ્ય ઉપાય છે, ત્યારે જિલ્લાભરમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. કચ્છ જીલ્લામાં અત્યારસુધીમાં 7 લાખ 23 હજાર જેટલા લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. તો સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા તમામ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ, પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓનલાઈન અને ઓફલાઇન રજિસ્ટ્રેશનથી વેક્સિન આપવામાં આવી રહી છે. ઉપરાંત લાભાર્થીની સંખ્યા હોય તો ગામડાઓ અને શહેરોમાં કેમ્પ યોજીને પણ રસી આપવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, કચ્છ જિલ્લામાં હાલ રસી માટે કુલ 14 લાખ જેટલા લાભાર્થીઓ છે. જેઓ તબક્કાવાર રસી મેળવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા રસીનો જેટલો જથ્થો આપવામાં આવે છે, તે પ્રમાણે લોકોને રસી આપવામાં આવી રહી છે