Connect Gujarat
ગુજરાત

લાંબા વિરામ બાદ રાજ્યના 55થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ, ફરી જામશે વરસાદી માહોલ

ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. હજી સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે.

લાંબા વિરામ બાદ રાજ્યના 55થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ, ફરી જામશે વરસાદી માહોલ
X

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર ગઢડા, બારડોલીમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના ગોંડલમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ હજી સારા વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 17 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થવાના એંધાણ છે. જેથી 4 દિવસ બાદ ખેડૂતોને રાહત મળશે.

લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાતા ખેડૂતોને આંશિક રાહત મળી છે. અમરેલી જિલ્લાના બગસરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો વરસ્યો હતો. મુંજિયાસર, માણેકવાળામાં સારા વરસાદથી ખૂડતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ તરફ ગીર સોમનાથમાં વેરાવળ શહેર તથા આસપાસના ડારી, છાત્રોડા, ચમોડા, ડાભોર સહિતના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ તથા જેતપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતુ. જેના કારણે લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 47 ટકા ઓછો વરસાદ થયો છે. રાજ્યના એકપણ જિલ્લામાં પૂરતો વરસાદ નથી. રાજ્યમાં સરેરાશ 36.6 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો, દક્ષિણ ગુજરાતમાં 40.8 ટકા, મધ્ય ગુજરાતમાં 34.9 ટકા, સૌરાષ્ટ્રમાં 33.9 ટકા, કચ્છમાં 31.7 ટકા અને ઉત્તર ગુજરાતમાં 31.2 ટકા વરસાદ થયો છે. આગાહી મુજબ જો, 4 દિવસ બાદ વરસાદની શરૂઆત થશે તો ખેડૂતો માટે તે અમૃત સમાન અને સૌથી મોટી રાહત આપનાર હશે. કારણ કે, જગતનો તાત અત્યારે ખરીફ પાક બચાવવા પરસેવો પાડી રહ્યો છે.

રાજ્યમાં 4 દિવસ બાદ વરસાદના સંજોગો સર્જાઈ રહ્યાની ખુશખબરી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, હાલ રાજ્યમાં કોઈ મજબૂત સિસ્ટમ તો સક્રિય નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 17 ઓગસ્ટ બાદ વરસાદની શરૂઆત થશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં કોઈક સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ રહેશે. જોકે, ઉત્તર ગુજરાત અને કચ્છને હજુ થોડી રાહ જોવી પડશે.

Next Story