અમરેલી જિલ્લા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ વિભાગના કર્મીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
અમરેલી જિલ્લાની હેડ પોસ્ટ ઓફિસના 500થી વધુ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના મુદ્દે હડતાળ ઉપર ઉતરતા પોસ્ટ સેવાની કામગીરી ખોરવાઈ ગઈ હતી. ડાક સેવાના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે પોસ્ટ કર્મીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. જેમાં સાતમું પગાર પંચ આરોગ્ય સુવિધા, નોકરી પ્રમાણે ઈન્ક્રીમેન્ટ તથા નિવૃત્તિ સમયના લાભો સહિતની પડતર માંગણીઓ મુદ્દે સરકારમાં વારંવાર રજૂઆત કરાઈ હતી. જોકે, આ માંગણીઓ ન સંતોષાતા નેશનલ પોસ્ટ યુનિયનની આગેવાની હેઠળ પોસ્ટ કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા.