અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ઓએનજીસી મેદાન ખાતે રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે નવરાત્રીની ઉજવણીમાં વિવિધતામાં એકતા જોવા મળે છે દુર્ગા પૂજાના પર્વની પણ ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાય છે ત્યારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું આયોજન કરાતું હોય છે.અંકલેશ્વરમાં દશેરાના દિવસે રાવણના 48 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવે છે. સાથે સાથે કુંભકર્ણના 45 ફૂટ ઊંચા અને મેઘનાદના 43 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવે છે.
ઓએનજીસી કોલોની ખાતે છેલ્લા 48 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે.વિશાળ પૂતળાઓ તૈયાર કરવા માટે 100 કિલો પસ્તી, 100 કિલો નવા કાગળ, 350 થી વધુ વાંસ, 400 મીટર સાડી સહિત અન્ય સામગ્રી વપરાય છે. 40 દિવસના અથાગ પરિશ્રમ બાદ આ પૂતળા બનાવવામાં આવે છે અને દશેરાના પર્વ પર અસત્ય પર સત્યની જીતની ઉજવણી કરવામાં આવે છે