અમદાવાદ સહિત રાજ્યના રિક્ષાચાલકોના વિવિધ એસોસિયેશન-સંગઠનો દ્વારા રચવામાં આવેલી સી.એન.જી. ભાવ વધારા વિરોધ સમિતિ દ્વારા CNGનો ભાવવધારો પાછો ખેંચવા રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા 15 હજારની સહાય, ચાલકો પર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે તા. 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળશે.
સમગ્ર હડતાળમાં જોડાવા અંગે રિક્ષાચાલક યુનિયનમાં મતમતાંતર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રિક્ષાચાલક સમિતિની મુખ્ય માગ છે કે, CNGના ભાવ ઘટાડવા આવે, બીજાં રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલ વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમાં કેમ નહીં. રીક્ષાચાલકો અને ટેક્સીચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે, CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે, જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસૂલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. રિક્ષાચાલકોને આંદોલનમાં 2 ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. બીજી તરફ, અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષાડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ યુનિયનોએ હડતાળને વખોડી કાઢી છે.