Connect Gujarat
ગુજરાત

ડાંગ : ખાઉલા, પીઉલા અને નાચુલા જેમનો જીવનમંત્ર છે તેવા ડાંગીજનોનો "શિમગા ઉત્સવ" યોજાયો...

ડાંગ જીલ્લામાં ડાંગી આદિવાસીઓનો મોટામાં મોટો તહેવાર હોળી છે. ફાગણ સુદ આઠમથી હોળીના તહેવારનુ અહીં વાતાવરણ જોવા મળે છે.

ડાંગ : ખાઉલા, પીઉલા અને નાચુલા જેમનો જીવનમંત્ર છે તેવા ડાંગીજનોનો શિમગા ઉત્સવ યોજાયો...
X

ડાંગ જીલ્લામાં ડાંગી આદિવાસીઓનો મોટામાં મોટો તહેવાર હોળી છે. ફાગણ સુદ આઠમથી હોળીના તહેવારનુ અહીં વાતાવરણ જોવા મળે છે. સામાન્ય રીતે ફાલ્ગુન સુદ પૂનમે અહીં હોળી હોય. ડાંગી લોકો આ દિવસને શિમગા તરીકે ઓળખે છે. શિમગા એ હોળીનુ બીજુ નામ છે. પૂનમે હોળી ઉજવ્યા બાદ રંગપંચમી સુધી હોળીના ગીતો અને વાદ્યોની મસ્તીમા જ ડાંગીજન જોવા મળે છે.

જોકે, મોટા ભાગના ડાંગી આદિવાસીઓ ખેડૂતો હોવાથી તેમના તહેવારો ખેતીને લગતા જ છે, તે પણ એટલુ જ સ્વાભાવિક છે! આદિવાસી પ્રદેશમા હોળીના નોખા, અને અનોખા મહત્વને ધ્યાને લઇને, આજે આપણે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજની હોળી, અને તેના રીતરિવાજ ઉપર એક દ્રષ્ટિપાત કરીએ. ડાંગી આદિવાસી પ્રજા, દિવાળી પછી જંગલ અને ખેતરોમા મજુરી કામે લાગી જાય છે. પરંતુ સામાન્યતઃ હોળી પહેલા 10 દિવસ અગાઉથી જ તે કામ ઉપર જવાનુ બંધ કરી દે છે. આઠમથી તે રંગપંચમી સુધી મોટા ભાગના ડાંગીઓ, પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હોય, પોતાની આગવી મસ્તીમા, ઢોલના તાલ ઉપર નાચતા જ નજરે પડે છે. હોળીના દિવસે તો આ લોકો સાંજથી બીજા દિવસ સુધી આખી રાત નાચ્યા કરતા હોય છે. ઘર શણગારવુ, ખાવુ, ગાઉ અને નાચવુ (ખાઉલા, પીઉલા અને નાચુલા) એ જ હોળીનો તહેવાર મનાવવાની રીત. વસંતઋતુ પૂરી થઇ, હવે તૂ ખેતરના કામે લાગી જા એ જ સંદેશ ડાંગી આદિવાસીઓને હોળી આપે છે. જંગલમય વિસ્તાર હોવાથી લાકડાની અછત નથી, એટલે ડાંગના ગામડે ગામડે ઠેર ઠેર મોટી હોળીઓ પ્રગટાવાય છે. આદિવાસીઓ મુહૂર્ત જાઇને જ હોળી પ્રગટાવે છે. ડાંગીઓ આને હોળીબાઇનુ લગ્ન કહે છે. હોળી પ્રગટાવતા પહેલા ડાંગી સ્ત્રીઓ, ગીત ગાઇને ડુંગર માવલીને હોળીબાઇના લગ્ન પ્રસંગે હાજર રહેવા વિનંતી કરે છે. ત્યાર બાદ બધા જ સ્ત્રી, પુરૂષો એકમેકની કમરમા હાથ નાંખીને, કુંડાળામા ફરતા ફરતા, નાચતા નાચતા ગીતો ગાતા ગાતા, આખી રાત પસાર કરે છે. કોરોના કાળ એટલે કે ૨૦૨૧ના વિરામ બાદ આ વર્ષે ફરીથી ભરાઈ રહેલા ડાંગ દરબારના આ ભાતીગળ લોકમેળાનું ઉદ્દઘાટન, રાજવીઓની શોભાયાત્રા, અને તેમને પોલિટિકલ પેન્શન એનાયત કરવાનો કાર્યક્રમ આગામી તા.૧૨મી માર્ચે યોજાશે. ત્યાર બાદ સતત પાંચ દિવસ સુધી એટલે કે તા. ૧૬/૦૩/૨૦૨૨ સુધી આ ભાતીગળ લોકમેળો અને જુદા જુદા કાર્યક્રમો, મેળામાં આવતા પ્રજાજનોને માણવા મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story