મળતી માહિતી અનુસાર, કલોલની ખાત્રજ જીઆઈડીસીમાં આવેલ દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાંથી નીકળતા દૂષિત પાણીને રિસાઈકલિંગ કરવા માટે ETP પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે.
તુત્સન ફાર્મામાં દૂષિત પાણીને પ્રોસેસ કરી ફરી વખત તેને ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે પ્લાન્ટ ઓપરેટર રજા પર હતો. જેથી ટેન્કને સાફ કરવા માટે વિનયકુમાર નામનો શ્રમિક સીડી મૂકીને અંદર ઉતર્યો હતો. તે દરમ્યાન અચાનક તેણે બૂમાબૂમ કરતાં સુનીલ ગુપ્તા, દેવેન્દ્રકુમાર, રાજનકુમાર અને અનિશકુમાર પણ ટેન્કમાં ઉતર્યા હતા, ત્યારે પાંચેય શ્રમિકોએ ચીસો પાડી હતી. જે થોડી ક્ષણોમાં શાંત પડી ગઈ હતી. પાંચેય શ્રમિકોના મૃત્યુ થયાની જાણ થતાં જ કંપની સત્તાધીશો દોડી આવ્યા હતા. જોકે, ટેન્કમાં ગૂંગળામણથી શ્રમિકોના મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી એક બાદ એક પાંચેય શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.