રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે માર્ચ મહિનાથી જ લોકો કાળઝાળ ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં ગુજરાતના લોકોની નજર હવે મેઘરાજા પર છે. આ વર્ષે ચોમાસુ ક્યારે આવશે, વરસાદ ક્યારથી અને કેટલો પડશે એવા સવાલો ચોક્કસ લોકોના મનમાં ઉદ્દભવી રહ્યા હશે. પરંતુ આ તમામ સવાલોના જવાબ હવામાન વિભાગે આપી દીધા છે.
રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આ વર્ષે સીઝનમાં વાવણી લાયક વરસાદ રહેશે. સીઝનમાં દેશમાં 103 ટકા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જૂન મહિનામાં જ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. જૂનમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ પ્રિ-મોનસૂન એક્ટિવિટી દેખાઈ રહી નથી, અને વરસાદની પણ આગાહી નથી. ઉપરથી તા. 1 અને 2 જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. 2 દિવસ બાદ ગુજરાતના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવી ચૂક્યું છે.
હવામાન વિભાગના કહેવા મુજબ કેરળમાં ચોમાસાનું આગમન થયું છે. કર્ણાટક સુધી પહોંચતા 4 દિવસ થશે. કર્ણાટક બાદ મહારાષ્ટ્ર સુધી પહોંચે તે બાદ ગુજરાત અંગેની માહિતી આપવામાં આવશે. હાલ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યો છે, હાલ કોઈપણ પ્રકારની વરસાદી સિસ્ટમ નથી. હાલ પ્રિ-મોનસૂન એક્ટિવિટી પણ મોટાપાયે જોવા મળશે નહીં. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 2 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફરક નહીં જોવા મળે. આ ઉપરાંત પહેલી જૂનથી તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે.