રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી; જામનગરમાં મેરેથોન દોડ તો ભાવનગરમાં સાયકલ મેરેથોનનું આયોજન

રાજ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઠેર ઠેર ઉજવણી, યુવા ભાજપ દ્વારા સાયકલ મેરેથોનનું કરાયું આયોજન.

New Update

દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે "આઝાદીનો અમૃત મહોત્સવ" શીર્ષક હેઠળ ભાજપ યુવા મોરચા દ્વારા ભાવનગર ખાતે સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જયારે જામનગરમાં પણ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી આઝાદીના 75 વર્ષની ઊજવણી કરવામાં આવી રહી છે. જેમાં "આઝાદીનો અમૃત મહોત્સવ" શીર્ષક હેઠળ પુરા વર્ષ દરમ્યાન ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આજે ભાવનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા રૂપાણી સર્કલ ખાતે યુવા સંકલ્પ યાત્રા અંતર્ગત સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ જેટલા બાળકો, યુવા, યુવતીઓએ ભાગ લીધો હતો. આજના યુવાઓને ફિટ એન્ડ ફાઇન રહેવાના મંત્રને ચરિતાર્થ કરવા યોજાયેલી સાયકલ મેરેથોનને ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા અને તેની ટીમે ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રૂપાણી સર્કલથી નિયત માર્ગ પર સાયકલવીરો એ મેરેથોન પૂર્ણ કરી પરત રૂપાણી સર્કલ પરત ફર્યા હતા જ્યાં તમામ ભાગ લેનાર સાયકલવીરો ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

તો આ તરફ જામનગરમાં પણ ભાજપ યુવા મોરચા દ્વારા આજે વહેલી સવારે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાધને ભાગ લીધો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઝંડી આપી આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. મેરેથોન દોડમાં પુરુષ, મહિલા અને બાળકો એમ ત્રણ વિભાગમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા સહિત ભાજપના કોર્પોરેટરો કાર્યકર્તાઓ અને દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.