Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી; ગણેશ વિસર્જનના દિવસે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી; ગણેશ વિસર્જનના દિવસે આ વિસ્તારોમાં પડી શકે છે ધોધમાર વરસાદ
X


ગુજરાતમાં 24.36 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હવે વરસાદની ઘટ માત્ર 19% છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આ સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જે હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 19-23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. જોકે, હવે વારો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આવે તેવી વકી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સોમવારે ભાદરવી પૂનમના દિવસે, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Next Story