ભેસાણમાં મગફળીના બિયારણ કૌભાંડનો મામલો
સરકારી બિયારણ બારોબાર વેચી મારવાનો આક્ષેપ
જાગૃત નાગરિક અને એડવોકેટે કૌભાંડ અંગે કર્યો આક્ષેપ
500 બોરી બીજ વેચવામાં આવ્યા હોવાની કરી ફરિયાદ
મંડળી અને ગોડાઉન સંચાલકોએ આક્ષેપોને નકારી કાઢ્યા
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં ખેડૂતોને આપવામાં આવતા મગફળી બિયારણને બારોબાર ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી દેવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી છે.જેના કારણે ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો છે.
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ખાતે ખેડૂતોને આપવાનું બિયારણ બારોબાર વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.ગામના જ રહેવાસી અને વ્યવસાયે ખેડૂત તેમજ એડવોકેટ સંજય કાપડિયા નામના ખેડૂતે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તડકા પીપળીયા ગામમાં બિયારણ આપતી પેઢી શત્રભુજ સેવા સહકારી મંડળી દ્વારા 500 બોરી બીજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખવા માટે એક ગોડાઉનમાં માલ રાખ્યો હતો,જે અંગે તપાસ કરવામાં આવતા થોડો બિયારણનો જથ્થો ગોંડલ વેચી નાખ્યો હોવાનું માલુમ પડ્યું હતું,જ્યારે હજુ કેટલોક બિયારણનો જથ્થો ગોડાઉનમાં પડ્યો હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.
બીજી તરફ ખેડૂતો અને ગોડાઉન માલિક કે જેને ત્યાં બિયારણની બોરીઓ પડેલી છે,તેઓનું કહેવું છે કે આ જાણીતા ખેડૂતોએ સાચવવા મુકેલી છે તેમજ શત્રભુજ પેઢીના ચેરમેન વસંત પટોળિયાએ આ કૌભાંડ અંગે જણાવ્યું કે નિયમ અનુસાર 1650 ખેડૂતોને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. જેના આધારકાર્ડ અને બીજ વિતરણ ફોટાઓના પુરાવા પણ હોવાનું જણાવીને તેઓએ આક્ષેપને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા.
મગફળીના બિયારણ બારોબાર વેચી મારવાના કૌભાંડના આક્ષેપ સામે ગોડાઉન માલિક અને ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને આ પ્રકારની કોઈ જ ગેરરીતિ આચરવામાં આવી ન હોવાનું તેઓએ જણાવી રહ્યા છે,અને તમામ આક્ષેપ ખોટા હોવાનું તેઓએ કહી રહ્યા છે.