Connect Gujarat
ગુજરાત

ખેડા: જિલ્લામાં પંચાયતી રાજ દિવસની ઉજવણી અન્વયે ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડા: જિલ્લામાં પંચાયતી રાજ દિવસની ઉજવણી અન્વયે ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું
X

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોમાં ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભાઓમાં ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમની રૂપરેખા મુજબ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા નકકી કરવામાં આવેલ નવ થીમ પૈકીની ત્રણ થીમની પસંદગી કરવામાં આવી જે મુજબ સ્વચ્છ ગામ, બાલમિત્ર ગામ અને સુશાસન ગામના લક્ષ્યની થીમ નકકી કરવામાં આવેલ હતી અને લક્ષ્યને ૨૦૨૪ સુધીમાં સિધ્ધ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ અંગેનો ગ્રામ સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

વડાપ્રધાન મોદી દ્વારા જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાના પલ્લી ગ્રા.પં.થી પંચાયતી રાજ દિવસની ઉજવણી નિમિત્તે થયેલ સંબોધનને ગ્રામજનોએ વેબકાસ્ટ દ્વારા માણ્યું હતું.આ પ્રસંગે મહેમદાવાદ તાલુકાના સિંહુજ કુમાર પે સેન્ટર પ્રા.શાળા મુકામે ગ્રામ વિકાસ અને ગ્રામ ગ્રૃહ નિર્માણ મંત્રી અર્જનુસિંહ ચૌહાણે ગામના દરેક કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ આરોગ્યલક્ષી સેવાઓના લાભો લેવા માટે જાહેર અપીલ કરી હતી. તેઓશ્રીએ આ પ્રસંગે ઉપસ્થિત કિસાનોની કિસાન ક્રેડિટ કાર્ડની અરજીઓ સ્વીકારી વહેલી તકે તેઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે લીડ બેંક મેનેજર પરમારને જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવેએ આ પ્રસંગે ગ્રામજનોને મળવાપાત્ર તમામ સરકારી લાભો નિયમોનુસાર મેળવી પોતાનું તેમજ પોતાના કુટુંબનું જીવન ધોરણ વધુ સુધારવા અપીલ કરી હતી તેમજ ગામના દરેક સભ્યએ ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લઇ તેને અનુસરવા જણાવ્યું હતું. લીડ બેંક મેનેજર પરમારે જણાવ્યું હતું કે, કિસાન ક્રેડિટ કાર્ડ માં રૂા.ત્રણ લાખ સુધીની લોન ફકત સાત ટકા વ્યાજ દરે કિસાનોને મળવા પાત્ર છે. તેમા પણ ત્રણ ટકા વ્યાજ કેન્દ્ર સરકાર અને તેમાં પણ જો કિસાનો ૩૬૫ દિવસમાં આ લોન ભરપાઇ કરે તો ચાર ટકા વ્યાજ રાજય સરકાર આપતી હોઇ કિસાનોને આ રકમ વ્યાજ રહિત પડે છે જે તેઓને તેમના ખેતરમાં ખુબ જ મદદરૂપ થાય છે.

આ કાર્યક્રમમાં સરપંચ પ્રભુદાસ, જિલ્લા પંચાયત સદસ્ય હરમાનસિંહ, ભીખાભાઇ પરમાર, ગ્રામ પંચાયત સદસ્ય ભલાભાઇ, ડે. સરપંચ, તા. પં. સદસ્ય ગોતાભાઇ પરમાર, મદદનીશ ખેતી નિયામક શૈલેષભાઇ, શાળાના આચાર્ય, બેંક મેનેજર, વલ્લભભાઇ સહિત મોટી સંખ્યામાં લાભાર્થી કિસાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Next Story