Connect Gujarat
ગુજરાત

નવસારી : 'કેન્‍સર સામે સતર્કતા' વિષયક માહિતી સભર પરિસંવાદ યોજાયો

નવસારી : કેન્‍સર સામે સતર્કતા વિષયક માહિતી સભર પરિસંવાદ યોજાયો
X

કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્‍યાપ્‍ત કેન્‍સર જેવી જીવલેણ અને ખર્ચાળ બીમારી સામે લોકોમાં વિશેષ જાગૃતિ કેળવવા માટે ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને દક્ષિણ ગુજરાત ઝોનની પ્રાદેશિક માહિતી કચેરી, સુરત દ્વારા 'કેન્‍સર સામે સતર્કતા' વિશે માહિતી સભર પરિસંવાદ નવસારી સ્થિત નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ ખાતે યોજાયો હતો.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના સામે બાથ ભીડતા ભીડતા તેના વિશેની સંપૂર્ણ જાણકારી સમાજના પ્રત્‍યેક વર્ગના લોકોને થઈ ચૂકી છે. ત્‍યારે દેશમા પ્રતિ વર્ષ અંદાજીત ૧૧ લાખ જેટલા કેન્‍સરના નવા કેસો સામે સાતેક લાખ ઉપરાંતના માનવ મૃત્‍યુ એ ચિંતાનો વિષય છે તેમ જણાવતા નિરાલી હોસ્‍પિટલ પરિવારના ડો. ચિંતન દ્વિવેદીએ દેશમાં પ્રત્‍યેક પાંચ મિનિટે ગર્ભાશયના મુખના કેન્‍સરને કારણે એક મહિલા મૃત્‍યુ પામે છે, જયારે મોઢાના કેન્‍સરને કારણે દરરોજ ૩૫૦૦ જેટલા પુરુષો પણ મોતને ભેટતા હોવાનું તેમણે જણાવ્યુ હતું.

કેન્‍સર રોગની ઉપયોગી જાણકારી આપતા ડો. દ્વિવેદીએ વધુમાં જણાવ્‍યું હતું કે, આજની ઝડપી જીવનશૈલી અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે આજે મનુષ્‍ય કેન્‍સરના રોગ તરફ ધકેલાઈ રહ્યો છે. આગામી પાંચથી દસ વર્ષોમાં દેશમાં પ્રત્‍યેક દસ વ્‍યક્‍તિએ એક વ્યક્તિ કેન્‍સરગ્રસ્‍ત હશે તેવી દહેશત વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશને પણ વ્‍યક્‍ત કરી છે. ડો. દ્વિવેદીએ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્‍ટની વિગતો સાથે વહેલુ નિદાન-યોગ્‍ય સારવાર વ્‍યક્‍તિને કેન્‍સરથી બચાવી શકે છે તેમ પણ ઉમેર્યું હતું. આ તકે તેમણે નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ દ્વારા કેન્‍સર વિશે આપવામાં આવતી વિવિધ સારવારની વિગતો આપી હતી.

નિરાલી હોસ્‍પિટલના કેન્‍સર સ્‍પેશિયાલિસ્‍ટ ડો. હરીશ વર્માએ કેન્‍સર થવાના કારણો, અને તેની સારવાર પદ્ધતિ અંગે જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, વિશ્વમાં ૨૦૧૨ના વર્ષમાં ૧૪૧ લાખ, ૨૦૧૮ના વર્ષમાં ૧૮૦ લાખ કેન્‍સરના દર્દીઓ હતા જે આગામી ૨૦૪૦ના વર્ષમાં વધીને ૨૯૫ લાખ થવાનો અંદાજ છે. જેથી તેની સામે સતર્કતા સાથે સાવધાની રાખવી જરૂરી છે. સામાન્‍ય રીતે કોમન કેન્‍સર, ઓરલ કેન્‍સર અને સર્વાઈકલ કેન્‍સર જેવા ત્રણ પ્રકારના કેન્‍સર વધુ જોવા મળે છે. કેન્‍સર થવાના કારણો વિશે જણાવ્‍યું કે, લાઈફ સ્‍ટાઈલમાં બદલાવ, તમાકુ, આલ્‍કોહોલ, ગુટખા, સ્‍મોકિંગ જેવા વ્‍યસનો જવાબદાર છે.

યમિત ૩૦ મિનિટનો વ્‍યાયામ, હેલ્‍થી ઓઈલ, ભોજનમાં પ્રોટીન તથા ફ્રુટનો વધુ ઉપયોગ કરવાની હિમાયત કરી હતી. કેન્‍સરના લક્ષણો વિશેની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, શરીરમાં કોઈ ભાગમાં ગાંઠ થવી, અચાનક વજનમાં ધટાડો થવો, મોઢામાં લાબા સમયથી ચાંદી સારી ન થવી, લાંબા સમયથી અવાજમાં બદલાવ આવવો, શરીરમાં કોઈ પણ ભાગમાંથી લોહી પડવું જેવા લક્ષણો જણાય તો તાત્‍કાલિક તેનું નિદાન કરાવવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે હોસ્‍પિટલના રેડિએશન ઓન્‍કોલોજીના ડો. એચ.એસ.સચીને કેન્‍સર રોગમાં આપવામાં આવતી રેડિએશન, કિમોથેરાપીની, બાયોપ્‍સી, સી.ટી. સ્‍કેન વગેરે સારવાર વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમજ તેની આડઅસરો નહિવત થાય તે રીતની સારવાર અંગેની જાણકારી આપી હતી. નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલ ખાતે આયોજિત કેન્‍સર સામે સતર્કતા વિષયક સેમિનારમા શાબ્‍દિક સ્‍વાગત કરતા દક્ષિણ ગુજરાત ઝોના સંયુકત માહિતી નિયામક રાજેન્‍દ્ર રાઠોડે જણાવ્‍યું હતું કે, મીડિયાના માધ્‍યમથી જનજાગૃતિ કેળવવા માટેના પ્રેસ અકાદમી દ્વારા દર વર્ષે શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાય છે.

આ વર્ષે કેન્‍સર જેવા રોગ સામે કેવી રીતે સતર્કતા સાથે સાવધ રહીને માનવમૃત્‍યુ રોકવાના આ પ્રયાસમાં સહયોગી બનવાની સૌને હિમાયત કરી હતી. વધુમા; તેમણે કેન્‍સર જેવી બિમારીઓથી છુટકારો મેળવવા માટે યોગ્‍ય જીવનશૈલી કેળવવાની પણ અપીલ કરી હતી. નિરાલી કેન્‍સર હોસ્‍પિટલના કોન્‍ફરન્‍સ હોલ ખાતે આયોજિત સેમિનારમાં ઉદઘોષક તરીકે જલાલપોર તાલુકાના તાલુકા પ્રાથમિક અધિકારી મુકેશ ચૌધરીએ સેવા આપી હતી. કાર્યક્રમનું આયોજન, વ્‍યવસ્‍થા જિલ્લા માહિતી કચેરી, નવસારીની ટિમ દ્વારા કરાયુ હતુ.

સેમિનારમાં દક્ષિણ ગુજરાત ઝોનના માહિતી વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મીડિયાકર્મીઓ ઉપસ્‍થિત રહયા હતા. આભારવિધિ નવસારી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક રાજ જેઠવાએ આટોપી હતી.

Next Story