સુરતના હજીરાથી વાપી ખાતે ટેન્કરમાં જતું કેમિકલ અધવચ્ચે નવસારીના ચીખલી નજીકથી ચોરી થતું હતું, ત્યારે LCB પોલીસે વોચ ગોઠવી રૂ. 22.49 લાખના જથ્થાના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
નવસારી નજીક હાઇવે પાસેથી મોટી સંખ્યામાં કેમિકલ ચોરી વધતા LCB પોલીસ એક્ટિવ થઈ હતી. જેમાં નવસારી LCB સ્ટાફે વોચ ગોઠવી એ દરમિયાન અમદાવાદ-મુંબઈ હાઇવે પર આલીપોર ગામની સીમમાં મેટ્રો હોટલની નજીક સર્વિસ રોડ પરથી ટેન્કરમાંથી ચોરી કરેલ કેમિકલનો 105 લીટરનો રૂ. 8610નો જથ્થો આરોપી સોહનલાલે અન્ય ટ્રકમાંથી ચોરેલો અને બીજો 105 લીટરનો જથ્થો તથા ટેન્કરમાં રહેલ બેન્ઝાઈન પ્રવાહીનો 27,182 લીટરનો રૂ. 22,32,716 મળી કુલ 27,392 લીટરનો કુલ રૂ. 22,49,976નો જથ્થો ઉપરાંત ટેન્કર, ફોન, મોપેડ અંગઝડતીમાં રોકડા રૂ. 42,86,476નો મુદ્દામાલ જપ્ત કરી સોહનલાલ વિરવાલ તથા ટેન્કર ડ્રાઇવર અંકેશકુમારની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી દરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.