Connect Gujarat
ગુજરાત

પાલનપુર: ડીસાના મુડેઠામાં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વદોડ, જુઓ સાડા સાતસો વર્ષ જૂની આ પરંપરા

અશ્વદોડનો ઈતિહાસ સાડા સાતસો વર્ષ જુનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જ સભ્યો જાય છે.

પાલનપુર: ડીસાના મુડેઠામાં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વદોડ, જુઓ સાડા સાતસો વર્ષ જૂની આ પરંપરા
X

પાલનપુર ડીસાના મુડેઠા ગામમાં સાડા સાતસો વર્ષ જૂની પરમપરા મુજબ દર વર્ષે ભાઈ બીજના દિવસે અશ્વદોડ યોજાય છે જેને નિહાળવા માટે દુરદૂરથી લોકો આવે છે.



ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજુ કરે છે.

આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહી કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના લોકો આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે. એટલું જ નહિ પરંતુ સાડા સાતસો વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહી આટલી મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. સદીયોથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવાર બાજી કરી પટ્ટા રમતા હોય છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો.

દર વર્ષે યોજાતી આ અશ્વદોડનો ઈતિહાસ સાડા સાતસો વર્ષ જુનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જ સભ્યો જાય છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.

Next Story