/connect-gujarat/media/post_banners/2d7dff0385d463ec7d90164331768be24b084b110ee28f04f782a0c1f1067a27.jpg)
રાજયમાં શિક્ષક સજજતા સર્વેક્ષણ કસોટીનો ભલે શિક્ષકોએ વિરોધ કર્યો હોય પણ જેટલા શિક્ષકો પરીક્ષા આપવા આવ્યાં હતાં તેમાંથી અમુકની પોલ ખુલી ગઇ છે. પંચમહાલ જિલ્લામાં શિક્ષક સજજતા કસોટી દરમિયાન ખુદ શિક્ષકો જ ચોરી કરતાં ઝડપાયાં હતાં.પરીક્ષા દરમિયાન ચોરી કરતાં વિદ્યાર્થીઓ ઝડપાયાં એમ તમે સાંભળ્યું હશે પણ આજે વાત કરીશું એવા શિક્ષકોની જે ખુદ ચોરી કરતાં ઝડપાયાં છે. મંગળવારના રોજ રાજયભરમાં શિક્ષક સજજતા સર્વેક્ષણ કસોટી યોજવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ૭૫૮૧ શિક્ષકો પૈકી માત્ર ૨૩.૪૩% એટલે કે ૧૭૭૬ શિક્ષકોએ સજ્જતા કસોટીની પરીક્ષા આપી હતી જ્યારે ૫૮૦૫ શિક્ષકોએ આ સ્વૈચ્છિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો.શિક્ષક સજ્જતા કસોટીની પરીક્ષાઓ આપવા માટે તૈયાર થયેલા આ શિક્ષકોમાં શહેરા તાલુકાના અણીયાદ અને કાલોલના પરીક્ષા કેન્દ્રોમાં કેટલાક શિક્ષકો ખુદ પરીક્ષામાં ચોરી કરવા માટે મોબાઈલ ફોનનો સહારો લેતા હતા તો કેટલાક શિક્ષકો પોતાનું સ્થાન બદલીને અન્ય પરીક્ષા ખંડમાં બેઠા હતા અને પરીક્ષા કેન્દ્રના સુપરવાઈઝરો આ તમાશો જોયા કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
શહેરા તાલુકાના ૨૨ જેટલા સેન્ટરોમાં ૧૫૨૪ જેટલા શિક્ષકોને આ કસોટીમાં ભાગ લેવાનો હતો જ્યારે ઘણી સ્કૂલોમાં શિક્ષકોએ આ કસોટીનો વિરોધ કરતાં પરીક્ષા સેન્ટરો ખાલીખમ દેખાયા હતા. જ્યારે શહેરા તાલુકાના હોસેલાવ શેખપુર સેન્ટર પર ૮૪ જેટલા શિક્ષકોને પરીક્ષા આપવાની હતી જેમાં ૫૭ જેટલા શિક્ષકોએ આ કસોટીમાં ભાગ લીધો હતો જ્યારે શહેરા તાલુકાના ઘણા એવા સેન્ટરો ખાલીખમ પણ જોવા મળ્યા હતા કસોટી આપનાર શિક્ષક દ્વારા આ રીતે ચોરી કરવામાં આવતી હોય તો તેમની પાસે શિક્ષણ શીખવા આવતા વિદ્યાર્થીઓને શું આ જ રીતે તેઓને પ્રેરિત કરતા હશે કે શું તે પણ એક સવાલ છે.