સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામ દ્વારા પાણીનું પાણીદાર વ્યવસ્થાપન કરી બતાવાયું છે. આ ગામના તમામ ઘરે પાણીના મીટર થકી પાણીનો બચાવ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તખતગઢ ગ્રામ પંચાયત સમગ્ર પશ્વિમ ઝોનમાં શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી પામ્યું છે.
સામાન્ય રીતે ઉનાળો આવતા જ દરેક ગામોમાં પાણીની પળોજણ શરુ થઇ જતી હોય છે. પરંતુ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામમાં હવે પાણીની પળોજણ એ ભૂતકાળ બની ગઈ છે. ગુજરાતનું આ એક માત્ર ગામ છે, જ્યાં વર્ષના 365 દિવસ 24 કલાક પાણી મળી રહે છે. ભારત સરકાર દ્વારા પશ્વિમ ઝોનની શ્રેષ્ઠ પંચાયત તરીકે તખતગઢની પસંદગી કરી તેને રાષ્ટ્રીય કક્ષાનો નાનાજી દેશમુખ એવોર્ડ એનાયત કરાયો છે.
તખતગઢ ગામના સરપંચ નિશાંત પટેલે જણાવ્યુ હતું કે, અમારા ગામમાં 350 મકાન છે, અને લગભગ 2500 જેટલી વસ્તી છે. ગામના કોઈપણ વ્યક્તિના ઘરે ગમે તે સમયે જઈને પાણીનો નળ શરૂ કરશો તો તમને પીવાનું પાણી મળશે જ. જોકે, ગ્રામજનો પાણીનો બગાડ ન કરે તે માટે પાણીના મિટર પણ લગાડવામાં આવ્યા છે. પહેલા તો મહિલાઓ જ પાણીનો બગાડ કરતાં ગામમાં ગંદકી થતી હતી. પરંતુ જ્યારથી મીટર લાગ્યા છે અને પાણીના વપરાશનું બીલ આવતું હોવાના કારણે ગામમાં પાણીનો બગાડ નહિવત થઇ ગયો છે.
તખતગઢ ગામમાં પાણીની તંગી નિવારવા સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈને આ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય સરકારની 'વાસ્મો'ની મદદથી 1 લાખ લીટર પાણીનો ટાંકો ગામમાં બનાવવામાં આવ્યો છે. તો પાણીની લાઈનોમાં મીટર સહિતનો ખર્ચ પણ સરકારની મદદથી આજે ઘરે ઘરે પાણીની સુવિધા મળી રહી છે. આ ગામની અનોખી પહેલને સરકારે પણ બીરદાવી છે. ભારત સરકાર દ્વારા પશ્વિમ ઝોન શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ તખતગઢ ગ્રામ પંચાયતને એનાયત કરાયો છે. એક સમયે પાણીની તાણ અનુભવતું તખતગઢ આજે પાણીદાર બની ગયું છે. જેનાથી ગામની મહિલાઓને પણ શાંતિ થઇ છે. તખતગઢ ગામ જેવી સુવિધાઓ અન્ય ગામોમાં પણ શરૂ કરાય તો પાણીના પોકારો ટાળી શકાય તેમ છે.