Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : માલવણ હાઇવે પર પૂરઝડપે આવતા ટ્રકે બાઇકને લીધું અડફેટે, પત્નીની નજર સામે પતિનું મોત

સુરેન્દ્રનગર : માલવણ હાઇવે પર પૂરઝડપે આવતા ટ્રકે બાઇકને લીધું અડફેટે, પત્નીની નજર સામે પતિનું મોત
X

પાટડીનું દંપતિ બાઇક પર પાટડીથી ધ્રાંગધ્રા જઇ રહ્યું હતુ. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલી કલ્પના ચોકડી પાસેથી પસાર તથા ટ્રક સાથે બાઇક ઘડાકાભેર અથડાયું હતુ. ટ્રકે ટક્કર મારતા બાઈકમાં સવાર ત્રણેય હવામાં ફંગોળાયા હતા. એક મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. જ્યારે અકસ્માત બાદ ટ્રક ચાલક હાઇવે પર ટ્રક મૂકી નાસી છૂટ્યો હતો.

પાટડી પાંચહાટડી વિસ્તારમાં રહેતા રમેશભાઇ હસુભાઇ ગોવાણી પોતાની પત્ની હિનાબેન રમેશભાઇ ગોવાણી અને ધ્રાંગધ્રાના મહેશભાઇ દરબાર બાઇક લઇને પાટડીથી ધ્રાંગધ્રા જઇ રહ્યાં હતા ત્યારે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર આવેલી કલ્પના ચોકડી પાસે સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતી ટ્રક અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટ્રક સાથે અકસ્માત થતા જ બાઇકમાં સવાર ત્રણેય હવામા ફંગોળાઇ રોડ પર પટકાયા હતા.

સ્થાનિક રાહદારીઓ દ્વારા બાઇકમાં સવાર એક મહિલા સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ ખસેડાયા હતા. પરંતુ ઇજા ગંભીર હોવાથી તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. અકસ્માતના પગલે ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રાફીક જામ થયો હતો. જે બાદ સ્થાનિક તાલુકા પોલીસે વ્યવસ્થા સંભાળી ટ્રાફીક દૂર કરી ફરી રાબેતા મુજબ હાઇવે શરુ કરી અકસ્માત થયેલા ટ્રકને કબ્જે લઇ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાયઁવાહી હાથ ધરી છે. પાટડીના ગણપતિ મંદિરમાં વર્ષોથી સેવા બજાવતા આશાસ્પદ યુવાનના મોતના સમાચારથી સમગ્ર પાટડીમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

Next Story