કચ્છના નાના રણ એવા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારોને તંત્રના વાંકે તરસ્યા રહેવાનો ઘાટ સર્જાયો છે, જ્યારે આકરા ઉનાળાની આગ ઓકતી ગરમીમાં 20 દિવસે એક વખત ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યનું એક એવુ સ્થળ જ્યાં ગુજરાતમાં સૌથી વધારે નર્મદાનું નીર મળ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના રણમાં મીઠું પકવતા ગરીબ અને પછાત અગરિયા પરિવારોને આજેય 20 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. વાડાના માનવી તરીકે ઓળખાતા અગરિયાઓને આગ ઓકતી ગરમીમાં પીવાના પાણીની એક એક બુંદ માટે તરસ્યા રહેવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષ ઓકટોબરથી મે માસ દરમિયાન કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે, ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને 20 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા 98% અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે. અગરિયા પરિવારો પાસે પાણીના સંગ્રહની પણ કોઇ વ્યવસ્થા ન હોવાથી એમને ખાટલામાં પ્લાસ્ટિક બાંધી પીવાના પાણીનો સંગ્રહ કરવો પડે છે, એ પણ વરવી વાસ્તવિકતા છે, જ્યારે હાલમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં મીઠું પકવતા 2000 અગરિયા પરિવારોને માત્ર 3 ટેન્કરો દ્વારા પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. આથી ગુજરાતનો છેવાડાનો માનવી ગણાતો ગરીબ અને પછાત અગરિયો આજેય રણમાં રસ્તા, પાણી અને વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી ગોઝારો ઘાટ જોવા મળી રહ્યો છે.