વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયત હોલ ખાતે વલસાડ તાલુકાના તમામ પ્રાથમિક, શહેરી આરોગ્ય કેન્દ્રની આશા બહેનો તથા આશા ફેસીલીટેટર બહેનોનું સંમેલન યોજાયું હતું. આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે આશાવર્કરોને કોરોના મહામારી સહિત અન્ય આરોગ્યલક્ષી સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર કમલ ચૌધરીએ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં આશા બહેનોની કામગીરીને બિરદાવી હતી. કોવિડ-૧૯ રસીકરણ રસી લેવાને કારણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓછી તકલીફ પડી હતી. હવે પછી કોઈપણ વ્યક્તિ રસી લેવા વગર રહી ન જાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું.
આ અવસરે મેડીકલ કોલેજના ડો. સુનિલ, ડો.વૈભવ દ્વારા કુપોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અવસરે શ્રેષ્ઠ કામગીરી કરનારી આશાબહેનોને પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આભારવિધિ તાલુકા આઇ.ઇ.સી. અધિકારી શૈલેષભાઇએ કરી હતી. અતુલ ગ્રામ પંચાયત સરપંચ વિક્રમભાઇ, જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી પંકજભાઇ પટેલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હરીયાના મેડીકલ ઓફિસર ડો. વિરેન પટેલ, મેડીકલ કોલેજના ડો. સુનિલ, ડો.વૈભવ તથા ડો. કૃણાલ તેમજ તાલુકા હેલ્થ કચેરીના સ્ટાફ વગેરે ઉપસ્થિત રહયા હતા.