વલસાડ : ધરમપુરમાં જનસુખાકારીના કાર્યો આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રીના હસ્‍તે નગરજનોને સમર્પિત કરાયા

New Update

વલસાડ જિલ્લાના ધરમપુર નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૪મા નાણાપંચ યોજના અને વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન અંતર્ગત રૂા. ૩૪૩.પ૭ લાખના ખર્ચે સાકાર થયેલા ૧૧ જનસુખાકારીના વિકાસ કાર્યોને વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે જનસમર્પિત કરાયા હતા.

Advertisment

ધરમપુર નગરપાલિકા સંચાલિત સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ-ધરમપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, આ સરકારે પ્રજાને આપેલા વચન પાળ્‍યા છે, જેના થકી સરકાર ઉપર પ્રજાનો વિશ્વાસ વધતાં સફળતાપૂર્વક ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં આઠ નગરપાલિકાઓમાં ખુબ જ સારી પ્રગતિ થઈ છે, ૧૬૫ નગરપાલિકા ઓમાં પણ અનેક વિકાસના કર્યો થયા છે. આ સરકારે સુવ્‍યવસ્‍થિત આયોજન કરી રાજ્‍યનો સર્વાંગી અને સમતોલ વિકાસ કર્યો છે, જેના થકી ગામડામાંથી સ્‍થળાંતર થતું અટક્‍યું છે.

આવનારા દિવસમાં ૪૨ કરોડના બીજા કામો થનારા છે, જેનું પ્‍લાનિંગ પણ થઈ ગયું છે. નગરમાં રસ્‍તા ગુણવત્તાયુક્‍ત બને, શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પીવાના પાણીની મુશ્‍કેલીઓ નિવારવા પૂરતું આયોજન કરાયું છે, ત્‍યારે અહીંના પદાધિકારીઓ અને અધિકારીઓ દેખરેખ રાખી ગુણવત્તાયુક્‍ત કામગીરી થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું. આ સરકારનું નહીં આપણું જ કામ છે તેવો ભાવ રાખી આપના વિસ્‍તારોમાં થઈ રહેલા વિકાસકાર્યોમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

વનબંધુ કલ્‍યાણ યોજના ફેઝ ૨માં પાંચ વર્ષ માટે રૂ.એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે પૈકી આ વર્ષે ૨૦ હજાર કરોડના વિકાસ કાર્યો સુચારુ આયોજન કરી જરૂરી વિકાસકાર્યો કરવામાં આવશે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. પ્રગતિશીલ નગરપાલિકા બને તે માટે ચોમેર દ્રષ્‍ટિકોણ રાખી આવકનાસ્ત્રોત ઊભા કરવા જણાવ્‍યું હતું.

Advertisment