Connect Gujarat
ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે તૈયારી, સરકારે 9 વિભાગોને આયોજન ઘડવા સૂચના આપી

વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે તૈયારી, સરકારે 9 વિભાગોને આયોજન ઘડવા સૂચના આપી
X

ગુજરાતમાં 2021 માં મુલતવી રહેલી 10મી વાઈબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ હવે જાન્યુઆરી 2022માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં યોજવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. આ સમિટ યોજવા માટે રાજયના ઉધોગ અને તેને સંલગન વિભાગો ઇન્ડેક્ષ–બી, પ્રવાસન નિગમ, ઉધોગ કમિશ્નરની કચેરી સહિતના નવ જેટલા વિભાગોએ તૈયારી શરૂ કરી છે. જો ગુજરાતમાં ત્રીજી લહેર નહીં આવે તો ચોક્કસપણે વાઇબ્રન્ટ સમિટ યોજવા સુધી રાજ્ય સરકારે આયોજન કરી દીધું છે.

રાજ્યમાં 2003થી અત્યાર સુધીમાં દર બે વર્ષે યોજાતી વાઈબ્રન્ટ સમિટ નવ વખત યોજાઈ હતી. ગયા વર્ષે આ સમિટ યોજવાની હતી સરકારે તૈયારી પણ શરૂ કરી હતી પરંતુ મહામારીના કારણે યોજી શકાઇ ન હતી. હવે 2022ના જાન્યુઆરીમાં સમિટ યોજવામાં આવશે. ગુજરાતમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર નહીં આવે તો પરિસ્થિતિ જોઇને સરકાર સમિટ યોજવા માટેનો નિર્ણય લેશે. આ સમિટના ભાગરૂપે દેશના અલગ અલગ રાજ્યોના મોટા મોટા ઉદ્યોગગૃહ સાથે સંપર્કોની સાથે ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા માટે ઉધોગકારો, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ ઉધોગ સંગઠનો સાથે બેઠકનું આયોજન કરવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવી છે.

આ સમિટ માટે ઉધોગ વિભાગ, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ તેમજ ઇન્ડેક્ષબીના અધિકારીઓને મુલાકાત આયોજન, રોકાણકારોને આકર્ષવા માટેના સંવાદ, બિઝનેસ ડેલિગેશન તેમજ વેબીનાર અને સેમિનાર કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા 2003ની સાલમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી.

અત્યાર સુધીની સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો વખતો-વખત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે. આમાં રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ઉપરાંત સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલ સહિતનાનો સમાવેશ થાય છે. જ્યારે 2015ની વાઈબ્રન્ટ સમિટમાં તો અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી જોન કેરી પણ આવી ચૂક્યા છે અને તેમણે રોકાણકારોને સંબોધન કર્યું હતું.

Next Story