Connect Gujarat
ગુજરાત

"હું અને વેક્સિન" પત્રકારની કલમે Blog By કલ્પેશ ગુર્જર

વેકસીન લીધાં બાદ શું થાય છે તેનો અનુભવ આપ સૌ સમક્ષ વર્ણવી રહયો છું….

હું અને વેક્સિન પત્રકારની કલમે Blog By કલ્પેશ ગુર્જર
X

કલ્પેશ ગુર્જર 

હાલમાં દેશભરમાં કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. વેકસીન મુકાવવાને લઇ હજી લોકોમાં અસમંજસની સ્થિતિ પ્રર્વતી રહી છે ત્યારે વેકસીન લીધાં બાદ શું થાય છે તેનો અનુભવ આપ સૌ સમક્ષ વર્ણવી રહયો છું….

આમ તો હું 20 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલો છું. શરૂઆતના તબકકામાં અકસ્માત કે અન્ય કોઇ કારણથી કોઇનું મૃત્યું થાય તો એકદમ લાગણીશીલ બની જવાતું હતું. મૃતદેહ જોયા બાદ પહેલાં ઘરે આવી સ્નાન કરવું અને પછી ઓફિસ જવું એ નિત્યક્રમ બની ગયો હતો પણ સમયની સાથે આ નિત્યક્રમ બદલાયો મૃતદેહો, ઇજાગ્રસ્તો, લોહીલુહાણ હાલતમાં પડેલા વ્યકતિઓ બધું જોવું અને તેના પછી અ'લાગણીશીલ બનવું એ જીવનનો એક ભાગ બની ગયો છે. પણ ગત વર્ષથી શરૂ થયેલી કોરોનાની મહામારીએ જીવનમાં ફેરફાર લાગી દીધો છે. ભરૂચના ગોલ્ડનબ્રિજના દક્ષિણ છેડે આવેલાં સ્મશાનમાં દરરોજ સળગતી ચિતાઓએ મકકમ મનને પણ ડરથી સળગાવી નાંખ્યું હોય તેવો અનુભવ કરી રહયો છું. પરમ કૃપાળુ પરમાત્માની દરરોજની પ્રાર્થના અને આર્શીવાદથી કોરોનાની બંને લહેરમાં અડીખમ રહયો છું.

હવે મુદ્દાની વાત પર આવીએ. કોરોનાનું રસીકરણ… મારી ઉમંર 42 વર્ષની અને તેમાંથી 20 વર્ષ કાગળ અને કલમ પાછળ વપરાય ગયાં છે અને હજી પણ શ્વાસ ચાલશે ત્યાં સુધી આજ રોજગારીનું સાધન રહેશે. કોરોનાની મહામારી સામે હાલ વેકસીનેશન ( રસીકરણ ) અભિયાન ચાલી રહયું છે. સરકાર દરેક લોકો વેકસીન મુકાવે તેના પર ભાર મુકી રહી છે. એક પત્રકાર અને જાગૃત નાગરિક તરીકે રસી મુકાવવાનો મે પણ નિર્ણય કર્યો હતો. છેલ્લા ઘણા મહિનાઓથી મનમાં વેકસીન અંગે લોકોના સારા-નરસા અભિપ્રાયો રસી મુકાવવા માટે એકત્ર કરેલી હિમંતને ક્ષણમાં તોડી નાંખતાં હતાં.

રસી લીધા બાદ થતી અસરોની કલ્પના માત્ર મને ધ્રુજાવી દેતી હતી. નાનપણથી મને ઇન્જેકશન અને ઓપરેશનથી બીક લાગે.. રોજથી 20 થી વધારે ગમે તેવી ગોળી ગળવાની હિમંત પણ ઇન્જેશનની સોય જોયને બુમાબુમ કરવાની આદત….. નર્સ જયારે ઇન્જેશન કાઢે અને અંદર રસી ભરે ત્યારે કૌરવોનો વધ કરવા અર્જુન જે પ્રકારે ભાથામાંથી તીર કાઢી બાણ ચઢાવતો હોય તેવી અનુભુતિ થાય અને સોય જયારે નસમાં જાય ત્યારે મહાભારત થતું હોય તેમ લાગે… ઓ મારી મા .. ઓ મારી મા.. એવી બુમોથી દવાખાનું ગુંજી ઉઠે…. અમુક ઓપરેશન વખતે એનેસ્થેસીયાનું ઇન્જેકશન માર્યું હોય તો પણ બુમો પાડતો હોય એવું ઓપરેશન પછી ડોકટર મને કહે…..

કોરોના વેકસીનેશન માટે ઓનલાઇન રજીસટ્રેન કરાવવાનું હોય છે. જેવી વેબસાઇટ ખોલો કે તરત બધા સેન્ટર ફુલ થઇ જાય … અનામતના કવોટામાં જે રીતે નોકરી કે એડમીશન મેળવવાનું હોય તેવી લાગણી થતી હતી પણ હિમંત હાર્યા વિના કોમ્પ્યુટર પર કોવીનની વેબસાઇટ ખુલ્લી રાખતો અને કોઇનો ફોન આવે કે ફલાણું સેન્ટર ખાલી છે અને રજીસ્ટ્રેશન કરાવવાનો પ્રયાસ કરતો હતો પણ કેટલાય વખત સુધી નિષ્ફળતા જ હાથ લાગી. કદાચ રસી મારાથી દુર રહેવાનો પ્રયાસ કરતી હોય… એક રવિવારે એપોઇન્મેટન મળી પણ મનમાં ડર એટલો હાવી થઇ ગયો કે મનમાં વિચારી લીધું કોરોના થવાનો હોય તો થાય પણ હું રસી નહિ મુકાવું….. થોડા દિવસ પછી પાછી હિમંત ભેગી કરી અને ફરી એપોઇન્મેન્ટ લીધી… ભરૂચ નજીકના એક ગામડાના પીએચસીમાં રસી મુકાવા જવાનું હતું. ઘરથી પીએચસી જતાં સુધીમાં મનમાં વિચારોનું વાવાઝોડુ ચાલ્યા કરતું હતું તાઉટે વાવાઝોડાએ તો ગુજરાતમાં વિનાશ વેર્યો પણ એ વિચારોના વાવાઝોડાએ મારા મનમાં રહેલી સકારાત્મકતાને ધરાશાયી કરી દીધી હતી. તેમ છતાં આખરે પીએચસી પહોંચી ગયો… રસી લેવાની માટેની જરૂરી પ્રકિયા પુર્ણ કરી અને આખરે રસી મુકવાનો સમય આવ્યો…. નર્સ બહેને કોવીશીલ્ડની બોટલ અને ઇન્જેકશન કાઢયું અને કહયું હાથ નીચો રાખો….. બસ સામે અર્જુનનું બાણ હોય અને હું કૌરવ હોય તેવી લાગણી સાથે આંખો બંધ કરી દીધી… કોવીશીલ્ડની રસી મુકાય ગઇ તો પણ ખબર સુધ્ધા ન પડી અને બહાર નીકળતો હતો ત્યારે નર્સે કહયું તાવ આવે તો આ એક દવા લઇ લેજો….. પણ આજકાલ જમાનો એટલો આગળ નીકળી ગયો છે કે રસી લીધા પછી શું થશે અને તેનાથી બચવા કઇ દવા લેવી તેની સમગ્ર માહિતી વોટસએપમાંથી મળી ગઇ.. ઘરે આવીને પેરાસીટામોલનો 650 મીલીગ્રામનો ડોઝ લીધો… સાંજ વીતી ગઇ અને રાત પડી પણ ન તાવ, ન ચકકર કોઇ જ અસર નહી … એક સમયે એમ લાગ્યું કે લોકો ખોટા ગભરાય છે રસી લેવાથી કશું નથી થતું…. જગ જીતી લીધું હોય તેમ લાગતું હતું… પણ સવારના ચાર વાગ્યા અને કોવીશીલ્ડની અસર થઇ માથામા સખત દુખાવો અને ઘુંટણમાં તો એટલું દર્દ કે જાણે એને કપાવી નાખુ….. બીજા દિવસે સવારથી સામાન્ય ચકકર ….. આખા શરીર અને મગજમાં ઝણઝણાટી… જાણે ભગવાન મગજમાંથી કોમ્પયુટરની જેમ જુનો પ્રોગ્રામ અનઇન્સટોલ કરી નવો નાંખતાં હોય તેમ સતત ટાઇપીંગ થતું હોય તેમ લાગે…. સાંજ પડતાની સાથે એકદમ લાચાર બની ગયો હતો. કોઇ વસ્તુ હાથમાં ન પડકાય…. ધબકારા વધી ગયાં અને એક સમયે તો એવું લાગ્યુ કદાચ દુનિયા છોડી જવાનો સમય આવી ગયો છે. આખરે એક ડોકટરને ફોન કર્યો અને પુછયું સાહેબ.. રસી લીધી હોય તો ઉંઘની ગોળી લેવાય તેમણે કહયું હા.. કોઇ વાંધો નહિ… બસ રાત્રે ઉંઘની ગોળી લીધી અને લગભગ 14 કલાક સુધી ઉંધતો રહયો.. બીજા દિવસે સવારે ઉઠયો તો માથાનો દુખાવો અને ચકકર ગાયબ થઇ ગયાં ( ભગવાનનો અને ડોકટરનો ખુબ ખુબ આભાર ) … હજી થોડી અશકિત છે પણ થોડા દિવસોમાં સારૂ થઇ જશે. રોગ પ્રતિકારક શકિત વધારવા મગનું પાણી અને સુંઢ અને ગોળ એકદમ અસરકાર સાબિત થયાં છે. હવે કદાચ બીજો ડોઝ લેવામાં આટલી તકલીફ નહી પડે તેમ હું માનું છું…….


આ અનુભવ એટલા માટે શેર કરી રહયો છું કે, સાવધાની એ જ સલામતી છે.. તમે પણ રસી ન મુકાવી હોય તો મુકાવી લેજો.. એક જ દિવસ તકલીફ પડશે પણ કોરોનાની બિમારી સામે તમારો આત્મવિશ્વાસ મજબુત બનશે..

બ્લોગ બાય - કલ્પેશ ગુર્જર

Next Story
Share it