Connect Gujarat
દેશ

મહારાષ્ટ્રનાં ગોંદિયામાં પેસેન્જર ટ્રેન સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર, ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી જતાં મુસાફરો ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં લગભગ રાત્રે 2.30 વાગ્યે એક ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.

મહારાષ્ટ્રનાં ગોંદિયામાં પેસેન્જર ટ્રેન સાથે ગુડ્સ ટ્રેનની ટક્કર, ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી જતાં મુસાફરો ઘાયલ
X

મહારાષ્ટ્રના ગોંદિયામાં લગભગ રાત્રે 2.30 વાગ્યે એક ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ દુર્ઘટના ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચેની ટક્કરના કારણે થઈ હતી.

ગોંદિયાની ઘટનામાં ભારતીય રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ, સવારે 4.30 વાગ્યે રી-રેલિંગ પૂર્ણ કરવામાં આવી હતી, અસરગ્રસ્ત ટ્રેન સવારે 5.24 વાગ્યે નીકળી હતી અને સવારે 5.44 વાગ્યે ગોંદિયા પહોંચી હતી. સવારે 5.45 વાગ્યે અપ અને ડાઉન ટ્રાફિક ફરી શરૂ થયો હતો. એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી, માત્ર 2 વ્યક્તિઓને નાની ઈજાઓ થઈ હતી અને તેમને એક જ ટ્રેનમાં સારવાર આપવામાં આવી હતી.

જો કે કોઈ મુસાફરના મોતના સમાચાર નથી. અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રેનની અંદર ફસાયેલા લોકોને પણ સવાર સુધી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને ગોંદિયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવ મોડીરાત્રે બન્યો હતો. હકીકતમાં, ગુડ્સ ટ્રેનને ગોંદિયા પહેલા સિગ્નલ મળ્યું ન હતું અને તે પાટા પર ઉભી હતી. ત્યારે એ જ ટ્રેક પર આવતી બીજી ટ્રેન પાછળથી અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેનમાં ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

આ પહેલા એપ્રિલમાં પણ મહારાષ્ટ્રના નાસિક પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં જયનગર એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન નંબર 11061 એલટીટી-જયનગર એક્સપ્રેસ પવન એક્સપ્રેસ ના ડબ્બાઓ નાસિક નજીક લહવિત અને દેવલાલી વચ્ચે ડાઉન લાઇન પર પાટા પરથી ઉતરી ગયા હતા.

Next Story