નરેન્દ્ર મોદીના જન્મ દિવસે દેશમાં રેકોર્ડ રસીકરણ થયું હતું. જેને લઈને વિવાદ કરી રહેલા કૉંગ્રેસ નેતાઓ પર વડાપ્રધાન મોદીએ પરોક્ષ રીતે કટક્ષ કર્યો છે.
પીએમ મોદીએ શનિવારે ગોવાના સ્વાસ્થ્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ એક ડૉક્ટરને કટાક્ષની ભાષામાં પ્રશ્ન પૂછ્યો કે, "ગઈકાલે અઢી કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી તો એક પાર્ટીને તાવ કેમ આવ્યો છે."
વડાપ્રધાન મોદીનો આવો પ્રશ્ન સાંભળીને ડૉક્ટર હસી પડ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, "અમે સાંભળ્યું છે કે જ્યારે કોઈ વેક્સીન લે છે ત્યારે 100માંથી એકાદ વ્યક્તિને રિએક્શન આવે છે. તાવ આવી જાય છે. એવું પણ કહેવાય છે કે બહુ વધારે તાવ આવી જાય તો માનસિક સંતુલન પણ બગડી જાય છે. મેં એવું પ્રથમ વખત જોયું કે અઢી કરોડથી વધારે લોકોને વેક્સીન લાગી અને કાલ રાતે 12 વાગ્યાથી એક રાજકીય પાર્ટીને રિએક્શન આવ્યું છે. તેનો તાવ વધી ગયો છે. આની પાછળ શું કોઈ તર્ક હોઈ શકે?"
વડાપ્રધાન મોદીએ ગોવામાં 100 ટકા વસ્તીને કોવિડ-19 વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યાને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્યકર્મીઓ અને રસીકરણનો લાભ લેનાર લોકો સાથે સંવાદ દરમિયાન આ વાત કહી હતી.