ઉત્તરપ્રદેશ : ઝાંસીમાં ટ્રેક્ટર પલટી મારી જતાં 4 બાળકો સહિત 11 લોકોના મોત

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં આવેલ ચિરગાંવ પોલીસ મથક વિસ્તારના ભાંડેર રોડ પર ગત શુક્રવારે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાય હતી. દર્શન માટે જતા શ્રદ્ધાળુઓથી ભરેલું ટ્રેક્ટર બેકાબૂ થઈ જતાં પલટી મારી ગયું હતું. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 7 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે, ત્યારે તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, માર્ગમાં ટ્રેક્ટર સામે અચાનક એક ગાય આવી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર ખેતરમાં પલટી મારી ગયું હતી. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકો મધ્યપ્રદેશના દતિયાના પંડૂખરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઝાંસીના છિરૌના ગામ સ્થિત માતાજીના મંદિરે જઈ રહ્યા હતા, તે દરમ્યાન મારગમાં ગંભીર અકસ્માતની દુર્ઘટના સર્જાય હતી.