/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-56.jpg)
કચ્છના રણમાં રણોત્સવમાં હવે પાકિસ્તાનનું વિધ્ન નડી રહયું છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા ભારે વરસાદના પાણી વહીને કચ્છના રણમાં આવી જતાં રણ જળબંબાકાર બની ગયું છે. રણમાં વહી રહેલા પાણીના કારણે રણોત્સવ ઓકટોબરના બદલે ડીસેમ્બરમાં શરૂ થાય તેવી સંભાવના છે.
કચ્છમાં રણોત્સવ પછી પ્રવાસીઓેને કચ્છનું ઘેલું લાગ્યું છે, પરંતુ સફેદ રણના હાલના દ્રશ્યો લોકોને અંચબામાં મૂકી દે તેમ છે. રણમાં એટલું બધુ પાણી ભરાયું છે જાણે કે, કોઈ મહાસાગર ઘુઘવી રહયો છે. હાલ જે પાણી છે તે વરસાદનું પાણી છે તે કચ્છમાં અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પડેલા ભારે વરસાદના છે. બંને વિસ્તારોમાં થયેલા વરસાદના પાણી રણમાં ફરી વળ્યા છે.
આ વરસાદી પાણીમાં દરિયાના મોજાનું પાણી પણ આવી પહોંચતા જ નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે. આ પાણી સુકાઇ જશે ત્યારે મીઠા વડે પથરાયેલી સફેદ ચાદર કચ્છની ધરતી પર ઉભરી આવશે જો કે, પાણી વધુ હોવાથી આવતા મહીનેથી રણોત્સવ શરૂ થાય તેવા કોઈ સંકેતો નથી જેથી નવેમ્બર અંતમાં કે ડિસેમ્બર સુધી ધોરડો ખાતે રણોત્સવ શરૂ થાય તેવી શકયતા છે. નોંધનીય છે કે, સફેદ રણ ક્ચ્છ સિવાય બીજા કોઈ પ્રદેશ કે દેશમાં નથી જેથી લોકો ચાંદની નિહાળવા દેશ વિદેશથી કચ્છમાં આવે છે.