નવસારી : લોકોને પાણી આપવા અંગે નગરપાલિકા જ બેઠી પાણીમાં

20

સમગ્ર ગુજરાતમાં સારા ચોમાસાના કારણે પાણીની સમસ્યાનું નિવારણ થઈ શકે તેવા સંજોગો ઊભા થયા છે, ત્યારે નવસારી નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હજુ યથાવત છે. શહેરમાં એક  જ ટાઈમ પીવાનું પાણી મળતા લોકો પાણીની માંગણી કરી રહ્યા છે.

નવસારી શહેરની 2 લાખની વસ્તીને ઊકાઈ ડેમની સિંચાઈ વિભાગની કેનાલ વાટે શહેરના દુધિયા તળાવમાં પાણી લાવીને વિતરીત કરવામાં આવે છે, પરંતુ ગત વર્ષે પાણીની ઘટ્ટના કારણે એક જ ટાઈમ પાણી આપવામાં આવતુ હતુ. આ વર્ષે ચોમાસામાં સારા વરસાદના કારણે હવે શહેરીજનોને બે ટાઈમ પાણી મળે તેવી માંગણી ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોની માંગ સંતોષાતી નથી. પાલિકા બે ટાઈમ પાણી વિતરીત કરવા માટે 800  રુપિયા વેરો વસુલે છે. આઠ મહિનાથી એક જ ટાઈમ પાણી મળતા લોકો પાલિકાની નીતિનો વિરોધ કરી રહ્યા છે. મબલક પ્રમાણમાં પાલિકાના તળાવમાં પાણી હોવા છતા પાણી એક જ સમય અને તે પણ સમસયસર ન મળતા લોકોની સમસ્યા વધી છે.

નવસારી શહેરમાં નગરપાલિકા દ્વારા દુધિયા તળાવ, દેસાઈ તળાવમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવા છતાં શહેરમાં દશેરા ટેકરી, જલાલપોર, પાંચ હાટડી, ચારપુલ સહિત અનેક વિસ્તારોમાં પાણી માત્ર એક વાર અને તે પણ એક કલાક આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા વિપક્ષી સભ્યો દ્વારા પણ બે ટાઈમ પાણી આપવા મુદ્દે પાલિકાના સત્તાધીશોને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં પાલિક દ્વારા બે ટાઈમ પાણી આપવા કોઈ નક્કર કામગીરી કરી શકી નથી.

કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મધુરજળ યોજના હાલના સમયે પાણીમાં ડૂબી ગઈ હોય તેવી પ્રતીતિ નવસારીના શેહેરીજનો કરી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સારા ચોમાસાના કારણે જળાશયો ઉભરાયા છે અને 2 વર્ષ સુધી પાણી ખૂટે નહીં તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે, તેમ છતાં નવસારી નગરપાલિકા પાણી અંગે પાણીમાં બેસી ગઈ છે. ઉનાળા દરમ્યાન પાણીની અછતે એક ટાઇમ પાણી પોહચાડાતું હતું, પરંતુ આજે ભરપૂર પાણી હોવા છતાં પાલિકાની લુલી વાતોને લઈને શહેરીજનો પાણી માટે તડપી રહ્યા છે.

LEAVE A REPLY