Connect Gujarat
ગુજરાત

પંચમહાલ જિલ્લાના આ ગામોમાં ઘોડેસવાર પોલીસ કરે છે ખેતરોની રખેવાળી

પંચમહાલ જિલ્લાના આ ગામોમાં ઘોડેસવાર પોલીસ કરે છે ખેતરોની રખેવાળી
X

સામાન્ય રીતે પોલીસને તમે શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવતા જોઈ હશે. પરંતુ પંચમહાલ જિલ્લામાં પોલીસને હવે ખેતરોના ઊભા પાકના રક્ષણની જવાબદારી પણ આવી છે. પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પંચમહાલ પોલીસના માઉન્ટેડ પોલીસના જવાનો ખેતરક્ષક બન્યા છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં મુખ્યત્વે મકાઈ, ડાંગર,બાજરી અને દિવેલા તેમજ શાકભાજીના મુખ્ય પાકો સીઝન મુજબ લેવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારના ખેતરોમાં જંગલી અને પાલતુ પશુ તેમજ અસામાજિક તત્વો દ્વારા ભેલાણનો વિકટ પ્રશ્ન સર્જાયો હતો. જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="93105,93106,93107"]

કાલોલ તાલુકાના રાબોડ, કંડાચ,મલાવ,જંત્રાલ જેવા ગામોના ખેતરોમાં થયેલા ઉભા પાકને નુકસાન પાક ભેલાણ કરવો અને ઉત્પન થયેલા પાકની અસામાજિક તત્વો દ્વારા ચોરી કરવી જેવા અનેક દુષણનો વ્યાપ વધી ગયો હતો. ત્યારે લોકમાગણીને ધ્યાને રાખીને આ વિસ્તારના ખેડૂતોની વ્હારે પંચમહાલ પોલીસ આવી છે. કાલોલ તાલુકાના વિવિધ ગામોમાં પંચમહાલ પોલીસની માઉન્ટેડ પોલીસ શાખાના બે ઘોડેસવાર પોલીસ જવાનો દિવસ- રાત ખેતરોની સુરક્ષા કરે છે.

છેલ્લાં ત્રણ વર્ષ કરતા પણ વધુ સમયથી રાબોડ તેમજ આજુબાજુના ગામની ખેતીની રક્ષા આ ઘોડેસવારો કરે છે. આ ઘોડેસવાર જવાનોની સેવા માટે ભરવાપાત્ર રકમ ગામના ખેડૂતો એકર દીઠ ચૂકવે છે. તેમજ તેઓને રહેવા જમવાની સગવડ અને ઘોડાઓ માટે ઘાસચારો અને પાણી સગવડ પણ ગામ લોકોને માથે જ હોય છે.

કાલોલના રાબોડ સહિત આસપાસના ગામોમાં ઘોડેસવાર પોલીસ દ્વારા રખેવાળીના છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારમાં થતું ભેલાણ અટક્યું છે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. સાથે સાથે હવે ખેડૂતો પોતાની મરજી મુજબની ખેતી કરી શકે છે. કૃષિની ઉપજ પૂરેપૂરી ઘરે આવતું હોવાથી ખેડૂતો હવે ખુશહાલ બન્યા છે. તો સાથે સાથે આ ઘોડેસવાર પોલીસની ગામમાં અને સીમાડામાં સતત હાજરીથી એક મોટો ફાયદો એ પણ થયો છે કે, ગામમાં થતી નાની -મોટી ચોરીઓ અને અસામાજિક પ્રવૃતિઓ પણ હવે સદંતર બંધ થઈ ગઈ છે.

પંચમહાલ પોલીસ દ્વારા રાબોડ સિવાય પણ કાલોલ તાલુકાના કંડાચ અને જંત્રાલ જેવા અનેક ગામોમાં માઉન્ટેડ પોલીસ એટલે કે, ઘોડેસવાર પોલીસ જવાનો ફાળવવામાં આવ્યા છે અને ખેતીના રક્ષણની સાથે સાથે, ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષામાં વધારો થયો છે.

આ ઘોડેસવાર જવાનોને સતત તહેનાતીના લીધે ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક પ્રવૃતિઓ ડામવામાં પંચમહાલ પોલીસને સફળતા મળી છે.એક રીતે કહીએ તો આ ઘોડેસવાર પોલીસ જવાનો ગામ લોકો માટે ખેત રક્ષક બન્યા છે.

Next Story