મહેન્દ્ર સિંહ ધોની બે વર્ષના લાંબા સમય પછી ફરીથી ભારતીય ટીમમાં જોડાયા છે. તે આ વખતે ટી20 વર્લ્ડ કપમાં વિરાટ બ્રિગેડની સાથે મેન્ટર તરીકે કામ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે એમએસ ધોનીની ભારતીય ટીમની સાથે તસ્વીર શેર કરી છે. બોર્ડે એમએસ ધોનીના સ્વાગતમાં એક ટ્વિટ કર્યું છે અને તેમને કિંગ કહ્યાં છે. એક વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લઈ ચૂકેલા ધોની ભારતને કેપ્ટન તરીકે વિશ્વ કપ જીતાડી ચૂક્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીને ભારતના જ નહિ, વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક માનવામાં આવે છે.
બીસીસીઆઈએ તેમની કાબિલિયત અને અનુભવનો લાભ લેવા માટે તેમને ભારતીય ટીમ સાથે મેન્ટર તરીકે જોડ્યા છે. ધોનીએ બે દિવસ પહેલા જ ચેન્નાઈ સુપરકિંગ્સને પોતાની કેપ્ટનશીપમાં આઈપીએલ જીતાડી. મહેન્દ્ર સિંહ ધોની રવિવારે ભારતીય ટીમના કોચ અને ખેલાડીઓની સાથે મેદાનમાં જોવા મળ્યા. બીસીસીઆઈએ આ પ્રસંગની તસ્વીર ટ્વિટ કરી છે. બોર્ડે આ પોસ્ટમાં લખ્યું, કિંગનું ભવ્ય સ્વાગત છે. મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયામાં નવા રોલની સાથે પરત ફર્યા છે. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાનની સામે મેચ રમશે. આ મેચ પહેલા ભારત બે વોર્મઅપ મેચ પણ રમશે. વોર્મઅપ મેચમાં તેની ટક્કર ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે થશે.