સુરત : લિંબાયતમાં બુટલેગરે કર્યો બુટલેગર પર જીવલેણ હુમલો, મોઢું છૂંદી નાખતા ગંભીર ઇજા

New Update
સુરત : લિંબાયતમાં બુટલેગરે કર્યો બુટલેગર પર જીવલેણ હુમલો, મોઢું છૂંદી નાખતા ગંભીર ઇજા

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ઉધના યાર્ડમાં રતન ચોક નજીક એક બુટલેગર પર તેના વિરોધી બુટલેગરે જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે ગંભીર રીતે ઘવાતા રાકેશ પાટીલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ઉધના યાર્ડમાં રાકેશ પાટીલ નામના બુટલેગરની રતન ચોક વિસ્તારમાં રહેતા શનિ નામના બુટલેગર સાથે જુની અદાવત હતી, ત્યારે ગત શુક્રવારની મોડી રાત્રે બુટલેગર રાકેશ પોતાની બાઇક લઇને લિંબાયત નજીકથી પસાર થઇ રહ્યો હતો, તે દરમ્યાન રતન ચોક નજીક બુટલેગર સનીએ તેના સાગરીતો સાથે મળી રાકેશ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલી ક્રૂરતાથી કરાયો હતો કે, લાકડાના ફટકા અને પથ્થરો વડે રાકેશનું મોઢું છૂંદી નાખવામાં આવ્યું હતું. જોકે સ્વબચાવમાં રાકેશે તેની પાસે રહેલ પિસ્તોલ વડે હુમલાખોરો પર ફાયરિંગ કરતાં ગોળી કોઈને વાગી ન હતી. અંતે હુમલાખોરો રાકેશને રસ્તા પર જ અધમરો કરી નાસી છૂટ્યા હતા.

સમગ્ર બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, ત્યારે ગંભીર રીતે ઘવાયેલા રાકેશ પાટિલને સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે હુમલા પાછળનું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ રાકેશ પાટિલ અને શનિ બન્ને બુટલેગર હોવાથી બન્ને વચ્ચે ધંધાની હરીફાઈ અથવા કોઈ જુની અદાવત હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories