Connect Gujarat
સુરત 

બારડોલી : પત્ની સાથે લગ્ન કરનારા મિત્રની મિત્રએ 2 લાખ રૂા.ની સોપારી આપી કરાવી હત્યા

બારડોલી : પત્ની સાથે લગ્ન કરનારા મિત્રની મિત્રએ 2 લાખ રૂા.ની સોપારી આપી કરાવી હત્યા
X

બારડોલીના નાડીંદા ચાર રસ્તા પાસે ફેબ્રિકેશનના વેપારીની હત્યાના ગુનામાં મૃતકની પત્નીનો પુર્વ પતિ જ મુખ્ય સુત્રધાર નીકળ્યો છે. તેણે જ 2 લાખ રૂપિયાની સોપારી આપી પોતાની પત્નીના વર્તમાન પતિની હત્યા કરાવી નાંખી હોવાનું ખુલ્યું છે.

બારડોલીના નાડીદા ચાર સ્તા પાસે રસ્તા પર ઉભેલા નિખિલ નામના વેપારીની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. ફેબ્રિકેશનના વેપારી નિખિલે તેના મિત્રની જ પત્ની સાથે લગ્ન કર્યા હોવાથી મિત્ર સામે જ શરૂઆતથી શંકાની સોય ચિંધાઇ રહી હતી. નિખિલ તેની દુકાનથી બહાર નીકળ્યો ત્યારે બાઇક પર આવેલાં ત્રણ યુવાનોએ તેની પર હુમલો કર્યો હતો. નિખિલને છાતીમાં ગોળી મારવામાં આવતાં તે સ્થળ પર જ ઢળી પડયો હતો. તેને સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ તેનો જીવ બચાવી શકાયો ન હતો. નિખિલના વૃધ્ધ માતા-પિતા અને ગર્ભવતી પત્નીના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

બીજી તરફ ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી રાજકુમાર પાંડિયન તથા ગ્રામ્ય એસપી ઉષા રાડાએ સ્થળની મુલાકાત લીધી હતી. આસપાસ આવેલી દુકાનોના સીસીટીવીની તપાસ કરવામાં આવતાં તેમાં બાઇક પર ભાગી રહેલાં હત્યારાઓ દેખાયા હતાં. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડયાં છે. કેતન ગોંડલિયાએ નિખિલની હત્યા માટે બે લાખ રૂપિયાની સોપારી આપી હોવાની વિગતો બહાર આવી છે. કેતન અને નિખિલ બંને મિત્રો હતાં અને કેતનના ઘરે નિખિલની અવરજવર હોવાથી નિખિલ અને કેતનની પત્નીની આંખો મળી ગઇ હતી. કેતનની પત્નીએ કેતનને છુટાછેડા આપી નિખિલ સાથે લગ્ન કરી લીધાં હતાં. આ બાબતની રીસ રાખી કેતને અગાઉ પણ નિખિલ પર હુમલો કરાવ્યો હતો. અને આખરે સોપારી આપી તેની હત્યા કરાવી નાંખી છે. હત્યાના ગુનામાં પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયાં છે જયારે એક આરોપી હજી ફરાર છે.

Next Story