-
સુરતમાં પુનઃ સર્જાઈ આગની દર્દનાક ઘટના
-
ફોર્ચ્યુન મોલની આગમાં બે યુવતીઓના મોત
-
આગના ધુમાડામાં ગૂંગળાઈ જતા બે સ્પા ગર્લ્સના મોત
-
ફાયર એન્ડ સેફટી અંગે ઉઠ્યા પ્રશ્નો
-
જીમમાં જ ચાલતું હતું ગેરકાયદેસર રીતે સ્પા
સુરત શહેરમાં ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની હતી.જેમાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. સ્પા અને જિમમાં આગ પ્રસરી જતા 2 મહિલાઓના મોત થયા હતા.જ્યારે બીજા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
સુરત શહેરમાં બુધવારની રાતે સિટીલાઈટ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી.આ ઘટનામાં કયા કારણોસર આગ લાગી હતી તેની તપાસ હાથ ધરાતા ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.જે સ્પામાં આગ લાગી હતી તે ગેરકાયદેસર હતું. જીમની અંદર ગેરકાયદેસર રીતે સ્પા એન્ડ સલૂન બનાવવામાં આવ્યું હતું. જીમમાં પાર્ટીશન ઉભું કરીને સ્પા માટે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. આ સાથે જ શોર્ટ સર્કિટના કારણે જીમમાં આગ લાગી હતી તેવું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.
ઘટના સમયે બે યુવતી અને વોચમેન ભાગી ગયા હતા.જ્યારે અન્ય બે યુવતી બચવા બાથરૂમમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને લઈ સ્પા સલૂનના માલિક અરમાનની અટકાયત કરાઈ છે. આગમાં મૃત્યુ પામેલી બે યુવતીઓમાં એક સિક્કિમની રહેવાસી બીનું હંગમા લીંબુ અને બીજી મનીષા દમાઈ હોવાની વિગતો સામે આવી છે. હવે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવશે કે આ પાર્ટીશન કાયદેસર હતું કે ગેરકાયદેસર.
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં 15થી 20 ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટે પહોંચી હતી. આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી હતી. તેના દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો.